________________
૨પ૬
જિનમાર્ગનું જતન (૬) અપૂર્વ કન્યાસંસ્કારસો :
પારગામી દષ્ટિ, અખૂટ વાત્સલ્ય આમ જોઈએ તો શિક્ષણ અને કેળવણી વચ્ચે કોઈ ફેર નથી; એક જ પ્રક્રિયાનાં બે નામ હોય એમ લાગે છે. પણ જુદા-જુદા માનવીના સારા-માઠા વર્તન વચ્ચેનો તફાવત જોતાં, શિક્ષણ અને કેળવણીના અર્થ તેમ જ કાર્ય બંને વચ્ચે કંઈક તફાવત હોય એમ માનવાનું પ્રાપ્ત થાય છે.
અહીં આપણે જે બાબતનો વિચાર કરવો છે, તેમાં સરળતા ખાતર, શિક્ષણનો અર્થ અર્થોપાર્જન માટે અથવા જિજ્ઞાસાને સંતોષવા અને પોષવા માટે મેળવવામાં આવતી જ્ઞાન-વિજ્ઞાન, હુન્નર-ઉદ્યોગ, વેપાર-વાણિજ્ય, કળા, સાહિત્ય કે ધર્મ-તત્ત્વજ્ઞાન જેવા વિવિધ વિષયોની માહિતી – એવો સમજવો, અને કેળવણી”નો અર્થ ચિત્તને સ્વસ્થ, શાંત, શુદ્ધ, સમત્વપૂર્ણ અને સદાચરણ-પરાયણ બનાવનારી પ્રક્રિયા કે એ માટેનો અભ્યાસ એવો સમજવો. આનો અર્થ એ થયો કે ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ એક વાત છે અને ધર્મને અનુરૂપ જીવનની કેળવણી એ બીજી વાત છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનનું ઊંડું અને વ્યાપક જ્ઞાન ધરાવનાર વ્યક્તિ પણ કયારેક સદાચાર-વિમુખ હોઈ શકે, અને ધર્મશાસ્ત્રોની વધુ વાતો નહીં જાણનાર વ્યક્તિ ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિરૂપે વ્યક્ત થતી ધર્મસંસ્કારિતાથી સમૃદ્ધ હોઈ શકે. કદાચ કેટલીક વ્યક્તિઓમાં સંસ્કારિતા પૂર્વજન્મની સાધનાના ફળરૂપે સાવ સહજપણે પ્રગટેલી જોવા મળે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ સત્સંગ, સદ્વાચન અને સદભ્યાસને અંતે પ્રયત્નપૂર્વક આવા ઉત્તમ સંસ્કાર મેળવી શકે છે. વ્યક્તિને શીલસંપન બનાવવા માટેનો આવો સમજપૂર્વકનો પ્રયત્ન એનું નામ જ કેળવણી.
આજે સમાજને, દેશને અને એથી આગળ વધીને કહીએ તો, આખી દુનિયાને, માનવી સાચો માનવી બને એ માટે આવી કેળવણીની જ જરૂર છે. નહીં તો વિજ્ઞાનનો એકાંગી વિકાસ માનવીને વધુ ને વધુ દાનવતા તરફ દોરી જશે અને માનવતાના વિકાસને રૂંધી નાખશે.
આપણા દેશની જ વાત કરીએ. સ્વરાજ્ય બાદ આપણા દેશના સુકાનીઓનું ધ્યાન મકાનોના ચણતર ઉપર એટલું બધું કેન્દ્રિત થયું કે આપણે દેશવાસીઓનું ઘડતર, તેઓ લોક-સ્વરાજ્યને ટકાવી શકે, સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવી શકે અને દેશમાં મહાત્મા ગાંધીજીના મનોરથો મુજબ સર્વોદયની સ્થાપના કરી શકે એવા દેશભક્ત અને નિઃસ્વાર્થ માનવીઓ રૂપે કરવાનું છે એ વાત જ વીસરાઈ ગઈ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org