________________
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૨
૩૨૯
તાલીમ આપે. અમે પૂ. નાનાભાઈના ગૃહપતિ તાલીમવર્ગમાં જે તાલીમ લીધેલી તે ભુલાતી નથી. ગુરુકુળ, બાલાશ્રમ, પાટણની સંસ્થાઓ પચાસ હજાર અથવા કોઈ દાનવીર પચીસ-પચીસ હજાર આપે તો દસ સંસ્થાઓને ગૃહપતિઓ મળે. કારણ કે, સંસ્થાનો આત્મા ઘડવૈયો, પિતા કે મિત્ર ગૃહપતિ જ છે.”
શ્રી ફૂલચંદભાઈ દોશીએ ગૃહપતિઓને તૈયાર કરવાની જે યોજના ઉપર દર્શાવી છે, તેને શબ્દેશબ્દ નહીં, પણ ભાવાત્મક રૂપે સમજવાની જરૂર છે. આવા અનુભવી વૃદ્ધજન સમાજના હિતની આ ઉંમરે પણ જે ચિંતા સેવે છે તે આપણી ખુશનસીબી છે.
અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ એ મુખ્યત્વે આ પત્રને કારણે જ. આપણી સંસ્થાઓના સંચાલકો અને સેવાભાવી અગ્રણીઓ આ દિશામાં વિચાર કરવા અને કંઈક સક્રિય પગલું ભરવા પ્રેરાય એ જ અમારા આ કથનનો સાર છે, (તા. ૧૯-૧-૧૯૫૨, ૨૫-૧૦-૧૯૬૯ અને તા. ૧૫-૭-૧૯૭૮ના લેખોમાંથી)
(૨) અ. ભા. શ્વેતામ્બર મૂર્તિપૂજક
કૉન્ફરન્સ પાસેની કામગીરી જેમ માનવીના વિકાસમાં એના શરીરના વિકાસનો, શરીરના પ્રત્યેક અંગઉપાંગના વિકાસનો, એનાં ઇન્દ્રિયો, હૃદય, બુદ્ધિ અને આત્માના વિકાસનો સમાવેશ થાય છે, તેમ સમાજના વિકાસમાં પણ અનેક બાબતોને સમાવવાની રહે છે. એમાંના એકમાં પણ કંઈ ઊણપ રહી, તો તેટલે અંશે સમાજશરીરના વિકાસમાં ઊણપ જ રહી સમજવી. આ રીતે વિચારતાં, કેવળ જૈન સમાજના જ નહીં, પણ દરેક સમાજના વિકાસ માટે ધાર્મિક, સામાજિક, રાજકીય (રાષ્ટ્રીય), આર્થિક અને શૈક્ષણિક – એ પાંચે ક્ષેત્રોનો સમાન રીતે વિકાસ થવો જરૂરી છે. આ સમાનતામાં જેટલી ખામી તેટલી સમાજના વિકાસમાં ખામી. માનવીને માટે જેમ પાંચ ઇન્દ્રિયો તેમ જ સમાજને માટે આ પાંચ ક્ષેત્રો ! એમાંના એકાદ ક્ષેત્ર પ્રત્યે બેદરકાર બનીને બીજાને વધુ પુષ્ટ બનાવવાની ચેષ્ટ કરીએ, તો એનું પરિણામ સમાજને કમતાકાત કે અપંગ બનાવવા સિવાય બીજું ન આવે.
એટલે જૈન સમાજની ઉન્નતિને માટે પણ આ પાંચે ક્ષેત્રોની પ્રગતિ એ આપણા હમેશાંના પાયાના પ્રશ્નો છે. તેથી સમાજનું સર્વાગીણ કલ્યાણ ચાહતી કોઈ પણ સંસ્થાએ એ પાંચે પ્રશ્નોને પરસ્પર ઓતપ્રોત ગણીને પોતાનું કામ ગોઠવવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org