________________
તીર્થરક્ષા અને તીર્થસેવન : ૫
૨૫
ભોંયરામાં રતાશ પડતા આરસની મહાવીરસ્વામીની મોટી નવી પ્રતિમા પધરાવી છે; તે પણ ઘણી મનોહર છે.
અહીં એ વાતની આપણે કૃતજ્ઞતાપૂર્વક નોંધ લેવી ઘટે કે આ તીર્થનો આવો સુંદર જીર્ણોદ્ધાર શ્રી ઉમેદમલજીના કાકા શ્રી ઝવેરચંદજીએ જાતદેખરેખ નીચે કરાવ્યો છે, અને તેઓના સ્વર્ગવાસ પછી એ કામ ઉમેદમલજીના વયોવૃદ્ધ પિતા શ્રી હજારીમલજી સંભાળે છે. રોજ સવારે ચાલીને જવું અને સાંજે ચાલીને આવવું એ એમનો ક્રમ છે. અમે મોટરમાં બિજાપુરથી સાંજે એ તીર્થના દર્શને જતા હતા ત્યારે શેઠશ્રી હજારીમલજી ચાલીને આવતા અમને સામા મળ્યા હતા. એ શ્રીમંતાઈ, એ સાદગી અને એ ધર્મભાવના સદા વંદનીય અને અભિનંદનીય છે. સાંજે બિજાપુરમાં શ્રી ઉમેદમલજીનું ભાવભર્યું આતિથ્ય માણી, સાદડી આ. શ્રી પૂર્ણાનંદસૂરિજીને તથા આ. શ્રી વિકાસચંદ્રસૂરિજીને વંદન કરી, અમે રાતે રાણકપુર પહોંચ્યા.
(તા. ૭-૩-૧૯૭૦) રાણકપુર, પિંડવાડા અને સિરોહીની યાત્રા
ભાવિક ભક્તના અંતરમાં ભાવના જાગે – કવિની કલ્પના જેવી જ એ ભાવના. ભગવાનનું સ્મરણ એને એ ભાવનાને સજીવન કરવા પ્રેરે. કવિ જેવી જ શિલ્પીની કલ્પના જાગી ઊઠે. શિલ્પી કળા અને ભાવનાની પાંખે ઊડે. એના મુલાયમ ટાંકણામાં ચેતના પ્રગટે, એક પાવનકારી, નયનમનોહર દેવમંદિર ઊભું થાય. ભાવિક જનોનો આત્મા ધન્યધન્ય બની જાય. રળિયામણું રાણકપુર આવું જ છે; કળા અને ધર્મભાવનાના સંગમસમું તીર્થ.
ધર્મપુરુષ ધરણાશાહ ધર્મભાવનાનો અવતાર ધર્મ અને ધન બંનેની એના ઉપર કૃપા. એક વાર એ શત્રુંજય-તીર્થની યાત્રાએ ગયા. અંતર સંયમના રંગથી રંગાઈ ગયું. બત્રીસ વર્ષની જ થનગનતી ઉમર અને એમણે દેવ, ગુરુ અને ધર્મની સાક્ષીએ, આત્માની સાક્ષીએ, સંઘની સાક્ષીએ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું ! પોતાની શક્તિ અને બાહ્ય સંપત્તિનો ઉપયોગ આત્મસંપત્તિને વધારવામાં કરવાનો એમણે સંકલ્પ કર્યો.
એમના અંતરમાં મનોરથ જાગ્યા : એક દેવવિમાન જેવું દેવમંદિર ઊભું કરું, અને એ ધર્મતીર્થની રચનામાં મારા જીવન અને ધનને કૃતાર્થ કરું. એમને મળી ગયો. એક શિલ્પી; જેવો સિદ્ધહસ્ત, એવો જ મસ્ત. ધરણાશાહના ધનની સરિતા અને શિલ્પી દેવાની કળાની ભાગીરથીનો સંગમ થયો. એ સંગમને આરે રળિયામણું રાણકપુર તીર્થ ઊભું થયું. “ધરણવિહાર” અને “ત્રિભુવનદીપક-પ્રાસાદ' નામે એ તીર્થ ઊભું થયું; લોકહૃદયમાં વસી ગયું. વિક્રમની પંદરમી સદીની આ વાત.
આ તીર્થનાં કંઈકંઈ વખાણ સાંભળ્યાં હતાં; એનાં દર્શન કરવા અંતર તલસી રહ્યું હતું. મનમાં હતું અને આજે પણ છે કે હેતાળ માતાના ખોળામાં હસતા-ખેલતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org