________________
૩૧૬
જિનમાર્ગનું જતન
ઊપજતા લાભાલાભનું બરાબર તોલન કરીને, આપણે પોતે શું કરવું અને કયા માર્ગે આગળ વધવું એટલી જ વાત આપણે વિચારવાની અને નક્કી કરવાની રહે. આપણું વર્તન એ પૂરેપૂરી આપણા હાથની જ વાત ગણાવી જોઈએ, અને જે સંજોગોમાં જે કરવાનું આપણને ચોખ્ખું સૂઝતું હોય તેનું પૂરેપૂરું પાલન કરવું આપણી ફરજ લેખાવી જોઈએ. આટલું પણ જો આપણાથી ન બની શકે, તો આપણને સૂઝ્યું-ન સૂઝ્યું બધું સરખું જ સમજવું.
જે સંસ્થાઓ અને જે આગેવાનો કેસરિયાજી તીર્થનું આપણા વતી કામ સંભાળે છે અને એ તીર્થ અંગેની મૂંઝવણોનો નિકાલ કરવા જેઓ સતત પ્રયત્ન કર્યાં કરે છે, તેઓ ત૨ફથી વારંવાર કહેવામાં આવ્યું છે અને હજુ પણ સમયે-સમયે કહેવામાં આવે છે, કે ત્યાં બોલી બોલીને કે બીજી રીતે આપણા તરફથી જે નાણાં આપવામાં આવે છે તે અત્યારે સદંતર બંધ કરવાની જરૂર છે. આ રીતે નાણાંનો પ્રવાહ અમુક સમય લગી અટકાવીને જ આપણે પંડાઓના આ તીર્થ પ્રત્યેના અને આપણી પ્રત્યેના વર્તનમાં પણ, ધાર્યો ફેરફાર કરાવી શકીશું. પણ ત્યાંથી મળતા અહેવાલો કહે છે, કે આ સૂચનાઓ જૈન-સમાજના માત્ર બહેરા કાને જ અથડાઈને નકામી નીવડી છે.
પણ અમને લાગે છે કે આપણી આ બહુ મોટી ભૂલ થાય છે. આપણે આ તીર્થ અંગે બીજું કંઈ ન કરીએ, તો છેવટે આટલું નકારાત્મક-અસહકારાત્મક કામ તો આપણે કરવું જ જોઈએ. મહાત્મા ગાંધીની આગેવાની નીચે અસહકારની પ્રચંડ શક્તિનું આપણી સગી આંખે દર્શન કરવા છતાં આપણે એને ન અપનાવીએ તો આપણા જેવા વિવેક વગરના બીજા કોણ ગણાય ? આ તીર્થને જો સાચે જ આપણું પોતાનું તીર્થ માનતા હોઈએ, તો આટલું તો આપણે કરવું જ જોઈએ; અને ગામેગામ, શહે૨ેશહેર અને પ્રાંતેપ્રાંતમાં આંદોલન જગાવીને કેસરિયાજી તીર્થમાં નાણું નહીં ચઢાવવા બધા જૈનોને સમજાવવા જોઈએ.
આપણી અંગત બાધા-આખડી કે શ્રદ્ધા-લાગણી આ કામમાં આડે આવશે તો આપણાં પોતાનાં જ નાણાંથી આપણા આ પોતાના તીર્થને વધુ નુકસાન પહોંચાડ્યા વગર આપણે રહેવાના નથી એટલું આપણે સમજી રાખીએ.
સ્થળે-સ્થળે અત્યારે ચાતુર્માંસ રહેલા અને ચાતુર્માસ પૂર્ણ થયા પછી ઠેર-ઠેર વિચરતા આપણા મુનિવરો આ દિશામાં ખૂબ અસરકારક કાર્ય કરી શકે એમ અમે માનીએ છીએ. તેઓ પોતાના સંપર્કમાં આવતાં બધાં જૈન ભાઈ-બહેનોને આ વાત સમજાવે અને પોતાના ઉપદેશમાં એની અગત્ય તરફ ધ્યાન દોરે, તો આ કામ વધુ સરળ થઈ પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org