________________
૧૦
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા
(૧) કાર્યકરોને જાળવવાની જરૂર
આજના અંકના પહેલે પાને મુંબઈથી પ્રગટ થતા શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરિષદના મુખપત્ર ‘સ્વયંસેવક' માસિકના તા. ૧-૧-૧૯૫૨ના અંકનો ‘સર્વન્ટ્સ ઑફ જૈન સોસાયટી’ શીર્ષકનો અગ્રલેખ છાપવામાં આવ્યો છે તે તરફ અમે અમારા વાચકોનું ધ્યાન દોરીએ છીએ.
જૈનોની વસ્તીવાળાં શહેરો કે નાનાં ગામડાંઓમાંની આપણી પાઠશાળા(જૈનશાળાઓ) થી માંડીને આપણાં તીર્થોનો વહીવટ સાચવતી કે સાહિત્યનું, શિક્ષણનું કે સમાજસેવાનું કામ કરતી અનેક સંસ્થાઓ પ્રામાણિક, યોગ્ય અને શક્તિશાળી કાર્યકરોની અછતની મુશ્કેલી લગભગ હંમેશાં ભોગવ્યા કરે છે.
નવી-નવી જાહેર સંસ્થાઓ વાતવાતમાં આપણે સ્થાપીએ છીએ. અમુક ઉદ્દેશને પૂરો કરવાના ધ્યેયને વરેલી એક સંસ્થા મોજૂદ હોય અને પોતાની શક્તિ અને સૂઝ પ્રમાણે કામ કરતી હોય, તો પણ એ જ ઉદ્દેશને માટે નવી સંસ્થા ઊભી કરતાં આપણે ખમચાતા નથી; આટલું જ શા માટે ? એક જ શહેરમાં આવી નવી સંસ્થા સ્થાપવામાં પણ આપણને સંકોચ થતો નથી કે વિચાર આવતો નથી. જરાક કોઈક યોજના કે કાર્યનો વિચાર આવ્યો, જરાક મતભેદ ઊભો થયો અથવા કોઈક વગદાર અને શક્તિશાળી વ્યક્તિમાં જરાક અહંભાવ જાગી ઊઠ્યો કે નવી સંસ્થાનો ઉમેરો થયો જ સમજો ! આનાથી આવી સંસ્થાઓ વચ્ચે એક પ્રકારની હરીફાઈ કે ભૂંસાતૂંસી થવા લાગે છે, સંસ્થાઓના સંચાલકોમાં બેદિલી અને મારા-પરાયાપણાની અનિચ્છનીય લાગણી જન્મે છે અને સમાજનાં શાંતિ, એખલાસ અને બંધુભાવ જોખમમાં મુકાય છે. વળી, હમણાંહમણાં સંસ્થાઓ માટે મકાનો તૈયાર કરાવી દેવા ત૨ફ પણ આપણું ધ્યાન વિશેષ ગયું હોય તેમ લાગે છે; એ માટે પૈસા પણ મળી રહે છે. આ વાત સારી છે, સંસ્થાના વિકાસ માટે જરૂરી અને ઉપયોગી પણ છે, અને એ માટે જરૂરી પૈસા મળી રહે એ બહુ રાજી થવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org