________________
૨પ૭
સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક ૬
અને જેના ઉપર જ દેશના ભવિષ્યનો આધાર છે તે ઊછરતી પેઢી પ્રત્યેની આપણી ઉપેક્ષાવૃત્તિની તો વાત જ શી કરવી ? જાણે કોઈ ધીકતો ધંધો કે ઉદ્યોગ હોય એ રીતે ધંધાદારી અને અર્થપરાયણ શિક્ષણનો તો ખૂબ વિસ્તાર થયો, પણ ઊછરતી પેઢીના મનની કેળવણીની – એના સંસ્કારઘડતરની – તો સદંતર ઉપેક્ષા જ થઈ. આના લીધે જૂની આશ્રમપદ્ધતિની કે ગુરુકુળ-પદ્ધતિની, શિક્ષણ અને કેળવણી એ બંનેનો સાથે જ પ્રયોગ કરતી શિક્ષણ પ્રથાનો અંત આવ્યો. આનું જે પરિણામ આવવું જોઈએ એ જ આવ્યું: આજના વિદ્યાર્થીવર્ગનું વર્તન દેશના મોવડીઓ માટે શિરોવેદનારૂપ બની ગયું છે. જો આપણે સમજવા તૈયાર હોઈએ, તો આનો ઉપાય સાફ છે : શિક્ષણની સાથેસાથે જ વિદ્યાર્થીવર્ગની કેળવણી ઉપર પૂરેપરું ધ્યાન આપીને એના મનને સુસંસ્કારસંપન્ન બનાવવું જોઈએ. આને જ આપણે નૈતિક કે ધાર્મિક કેળવણી કહી શકીએ.
શિક્ષણ અને કેળવણીને લગતી આવી તાત્ત્વિક મીમાંસા અહીં કરવાનું અમે એટલા માટે જરૂરી માન્યું છે કે એના સંદર્ભમાં અત્યારે રજાઓના સમય દરમ્યાન યોજાતાં સંસ્કાર-અધ્યયન-સત્રો અને ધાર્મિક શિબિરો કે સંસ્કારાયતનોની ઉપયોગિતા અને સમયોચિતતા આપણને સમજાય. દેશની જરૂરિયાતના પ્રમાણમાં આ પ્રયત્ન ઘણો જ નાનો ગણાય એ સાચું, પણ એ પ્રયત્ન દેશ અને સમાજ બંનેના ભલાની દૃષ્ટિએ સાચી દિશાનો પ્રયત્ન છે, અને એનું પરિણામ પણ કંઈક ને કંઈક સારું જ આવવાનું છે; અને એક સારા કાર્યનું અનુકરણ કરવાની માનવસહજ વૃત્તિને કારણે એ કાર્યનો વિસ્તાર થવાની પણ સંભાવના રહેલી છે. છેવટે તો બુદ્ધિબળ અને હૃદયબળ ધરાવતો બે હાથવાળો માનવી પોતાને કર્તવ્યરૂપ લાગે એ સત્કાર્યની, પોતાની મતિ અને શક્તિ પ્રમાણે શરૂઆત કરે એ તો એના હાથની જ વાત છે.
છોકરાઓની કેળવણી માટે તો છેલ્લાં ૬-૮ વર્ષથી જૈન સમાજમાં તેમ જ ઇતર સમાજોમાં પણ જ્ઞાનસત્રો કે શિબિરો યોજવાની પ્રથા પ્રચલિત થઈ ગઈ છે. પણ કન્યાઓની કેળવણી માટેનાં સંસ્કાર-સત્રોની યોજનાની બાબતમાં આપણે ખૂબ પછાત તેમ જ ઉદાસીન હોઈએ એમ લાગે છે. જ્યારે વ્યાવહારિક શિક્ષણમાં છોકરાઓ તથા છોકરીઓ લગભગ સમાન રીતે આગળ વધી રહ્યાં હોય, ત્યારે સંસ્કારઘડતરની બાબતમાં પણ છોકરીઓ માટે છોકરાઓ જેટલી જ ગોઠવણ કરવી જોઈએ. સંભવ તો એવો છે કે અત્યારે વેરવિખેર બની ગયેલી નીતિમત્તા અને સંસ્કારિતાને કારણે અધોગતિ તરફ જઈ રહેલા માનવ-સમાજને આપણી સંસ્કારસંપન્ન અને કેળવાયેલી કન્યાઓ જ બચાવી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org