________________
૨૭૬
જિનમાર્ગનું જતન ગુરુમહારાજની પ્રેરણાથી થયો હોય, કે પરિસ્થિતિમાંથી જાગેલી સ્વયંભૂ પ્રેરણાથી થયો હોય – ત્યારે-ત્યારે જૈનસંઘે યશોજ્વળ ઇતિહાસ સર્જીને શાસનની ખૂબ પ્રભાવના કરી છે, અને જગતને અહિંસાના અમૃતનો લાભ આપ્યો છે. આથી ઊલટું, જ્યારેજ્યારે આપણે અંદર-અંદરની ઈર્ષ્યા-અદેખાઈ કે સાઠમારીમાં અટવાઈ ગયા છીએ, ત્યારે ત્યારે આપણે સંસ્કારિતાની દૃષ્ટિએ નીચા ઊતરી ગયા છીએ, અને આપણું હીર હણાયું છે. આમાં મુખ્ય વાત સહકારની ભાવનાને અપનાવવાની કે એની ઉપેક્ષા. કરવાની છે. આપણી પ્રચલિત પ્રાચીન ધાર્મિક પરિભાષામાં, વ્યાપક અર્થમાં એને સહધર્મી-વાત્સલ્યની ભાવના કહેવી જોઈએ.
કલકત્તામાં થોડા વખત પહેલાં થયેલા આવા જ એક દાખલારૂપ સહધર્મિવાત્સલ્ય અંગે આ નોંધ લખતાં અમને ખૂબ આનંદ થાય છે. કલકત્તામાં ભવાનીપુરમાં નવીન જિનમંદિર ઊભું કરવાનો ભવાનીપુર જૈનસંઘે નિર્ણય કર્યો. આ નિર્ણયને અમલી બનાવવા માટે એ સંઘના અગ્રણીઓ અને ભાવનાશીલ ભાઈ-બહેનો તો પોતાથી બનતો આર્થિક સહકાર ઉદારતાપૂર્વક આપે એ સમજી શકાય એવી વાત છે; ઉપરાંત, કલકત્તાના બીજા લત્તાના આગેવાનોનો પણ આ ધર્મકાર્યમાં સહકાર માગવામાં આવે અથવા તો આપમેળે એવો સહકાર મળી રહે એ પણ સ્વાભાવિક છે. પણ સવિશેષ નોંધપાત્ર અને અત્યંત ખુશાલી ઊપજે એવી વાત તો એ છે, કે કલકત્તાના ગુજરાતી જૈન શ્વેતાંબર તપગચ્છ સંઘે આ જિનમંદિર માટે એક લાખ રૂપિયા જેવી મોટી રકમ આપીને એક નમૂનેદાર સહધર્મી-વાત્સલ્ય કર્યું છે. અમે કલકત્તામાં ગુજરાતી સંઘે દર્શાવેલી સહકારની આ ભાવના અને ઉદારતાની ખૂબખૂબ પ્રશંસા કરીએ છીએ, અને એ સંઘના મોવડીઓને હાર્દિક ધન્યવાદ આપીએ છીએ.
(તા. ૭-૧-૧૯૬૭)
(૩) દેવદ્રવ્યના રોકાણનો સવાલ
રોકડનાણું ભેગું થાય છે, ત્યારે કાં તો એનો ઉપયોગ કોઈક કામ માટે કરવામાં આવે છે, અથવા તો કોઈક સુરક્ષિત અનામતમાં એનું રોકાણ કરીને એમાંથી આવક કરવામાં આવે છે. આ સિવાય એને વગર વાપર્યું અને વગર રોક્યું, એમ ને એમ નકામું રાખી મૂકવાનું ભાગ્યે જ પસંદ કરવામાં આવે છે. તેમાં ય જૈન કોમ જેવી વેપારી કોમ આ પ્રમાણે પૈસાને નકામા પડ્યા રહેવા દે એ તો બને જ નહિ – ભલે પછી આ નાણાં દેવનિમિત્તે હોય કે બીજા ખાતાનાં હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org