________________
૨૧૦
જિનમાર્ગનું જતન બીજી વાત એ કે શ્રીમંત બાપને ત્યાં જન્મેલો, સોના-રૂપાને ઘૂઘરે રમેલો અને ગર્ભશ્રીમંત તરીકે લાડકોડમાં મોટો થયેલો છોકરો જેમ સંપત્તિ-ઉપાર્જન કરવાની મહેનતના અને સંપત્તિના મહત્ત્વને નથી પિછાણી શકતો, કંઈક એવી જ સ્થિતિ આપણી - જૈનધર્મના અનુયાયીઓની, ભગવાન મહાવીરના ધર્મના વારસદારો બની બેઠેલાની – થઈ ગઈ હોય એમ લાગે છે. એ વારસો કેટલો મહામૂલો છે, અને એ વારસાના વારસદાર બનનારને શિરે કેટલી મોટી જવાબદારી આવી ખડી થાય છે એ વાત જ આપણે તો ભૂલી ગયા છીએ. તરસ્યાં વટેમાર્ગુઓને પાણી પાવા માટે પરબ ઉપર બેસારેલ માનવી બધા ય પાણીને તાળા-કૂંચીમાં બંધ કરીને બેસી જાય એવી રીતે આપણે જૈનધર્મનાં દ્વાર બીજાંઓને માટે જાણે બંધ કરી દીધાં છે. પરિણામે, ન તો આપણે પોતાનું ભલું કરી શક્યા, ન વિશ્વનું કલ્યાણ સાધવામાં આપણો ફાળો આપી શક્યા.
ત્રીજી વાત એ છે, કે “મહાવીર-શાસન' પત્ર એ કોઈ સુધારક પત્ર નથી; રૂઢિચુસ્તપણાનું સમર્થક પત્ર છે. છતાં ગુણ તરફ ઢળવાની વૃત્તિ માનવીને થઈ આવે છે – એ પ્રમાણે આ ગઢવીના કિસ્સા તરફ એનું ધ્યાન ગયું, અને એણે જૈનસંઘનું ધ્યાન એ તરફ દોર્યું. આનો અર્થ એ કે રૂઢિચુસ્ત હોય કે સુધારક, માનવહૃદયનો ઢોળાવ તો હમેશા ગુણને ગ્રહણ કરવા તરફ જ રહે છે. પણ જ્યારે એમાં ઊંચ-નીચપણાના કાષાયિક ભાવો જાગે છે, ત્યારે જ એ ગુણગ્રાહક દૃષ્ટિ દબાઈ જાય છે.
અને સૌથી વિશેષ મહત્ત્વની વાત એ છે કે ગામોગામ અને પ્રદેશ-પ્રદેશમાં પાદવિહાર કરીને વિચરતા મુનિવરો જો પોતાનો આવા અનુભવોનો બોધપાઠ ગ્રહણ કરતા રહે અને એને સમાજ સમક્ષ રજૂ કરતા રહે, તો ગૌરવભર્યા ભૂતકાળનો કે બહુમૂલા ધાર્મિક, આધ્યાત્મિક વારસાનો જે કેફ આપણને ચડી ગયો છે અને એ કેફના કારણે આપણે ભાન ભૂલી ગયા છીએ, એમાંથી આપણે ઊગરી જઈએ, અને “જન્મથી મળ્યો તે ધર્મ' એવી ખોટી માન્યતાનો ત્યાગ કરીને “પાળે તેનો ધર્મ' એવી સાચી દૃષ્ટિને સમજતા થઈએ.
સાચા ધર્મગુરુઓ તો કોઈ પંથ, સંપ્રદાય કે વાડાના તાબેદાર નહીં, પણ સમગ્ર વિશ્વના કલ્યાણના હામી છે. એટલે એમના પુરુષાર્થની ગંગા તો વિશ્વના સમગ્ર જીવો માટે જ વહેવી જોઈએ.
(તા. ૧૫-૬-૧૯૫૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org