________________
૨૨૦
જિનમાર્ગનું જતન વિધાનને લક્ષમાં રાખીને જે કંઈ ધાર્મિક કે બીજું પણ સાહિત્ય સર્જવામાં આવશે તે જ લોકસેવાના યશનું ભાગીદાર બનવાની સાથે અકાળ મૃત્યુના શાપમાંથી મુક્તિ મેળવી શકશે. જૈન સાહિત્યના ઘડવૈયાઓએ વિશેષપણે આ વાત લક્ષમાં રાખવા જેવી છે.
આપણે આપણા સાહિત્ય-સર્જનની કૂચને વણથંભી ચાલુ રાખીએ. પણ એની દિશામાં જ માત્ર સમયાનુકૂળ ફેરફાર કરીએ – એટલું જ કહેવાનું અહીં પ્રસ્તુત છે.
(તા. ૧૨-૬-૧૯૪૯) સાહિત્યમાં ઊંડાણ અને વૈવિધ્ય માટેનું સમગ્ર આયોજન
જૈનધર્મ અને જૈન સંસ્કૃતિનાં જુદાજુદાં અંગોનો ઈતરસમાજોને સરળતાપૂર્વક યથાર્થ પરિચય આપી શકે એવા સાહિત્યની આપણે ત્યાં ઊણપ છે એ વાત હવે સમજાવવી પડે એમ નથી. ઈતર સમાજોને જ શા માટે, આપણને પોતાને અર્થાત્ જૈન સમાજના સામાન્ય વર્ગને જૈનધર્મ, દર્શન કે સંસ્કૃતિનો યથાતથ પરિચય કરાવી શકે અને એના હાર્દને સમજાવી શકે એવાં પુસ્તકો પણ આપણી પાસે કેટલાં છે ? આ વાતનો હવે વિચાર કરવાની અને એ દિશામાં નક્કર પગલાં ભરવાની ખાસ જરૂર છે.
આ સંબંધી અત્યારે લખવાનું નિમિત્ત આ પ્રમાણે છે :
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેંતાલીસમા વાર્ષિક રિપોર્ટમાં સંસ્થા હસ્તકની શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળાને લગતી કેટલીક વિગતો આપવામાં આવી છે. એમાં હવે પછી એ ગ્રંથમાળા તરફથી જૈનધર્મને લગતા ઉચ્ચ કોટિના ગ્રંથો પ્રગટ કરવાની જે પ્રકારની યોજના વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિની વિચારણા હેઠળ છે એ અંગે થોડુંક આમ કહેવામાં આવ્યું છે ,
“સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ “શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળા'ના ઉપક્રમે જૈનધર્મ અને તત્ત્વજ્ઞાનની બાબતમાં ઊંચી શ્રેણીમાં મૂકી શકાય એવાં પુસ્તકો પ્રગટ કરવાની શરૂઆત કરી. આજ સુધીમાં “અધ્યાત્મકલ્પદ્રુમ', “જૈન દષ્ટિએ યોગ' અને “શ્રી આનંદઘનજીનાં પદો” એમ ત્રણ ગ્રંથો પ્રકાશિત થયેલ છે. દિનપ્રતિદિન આ પુસ્તકોની લોકપ્રિયતા વધતી ગઈ છે અને જૈન સમાજે તેને સારો આવકાર આપ્યો છે. જૈનધર્મને ઉચિત રીતે પ્રતિપાદિત કરે એવાં આ અને એથી પણ વિશેષ ઉપયોગી અનેક પુસ્તકો પ્રગટ થાય, તો જૈન સમાજ માટે એક અત્યંત ગૌરવભરી હકીકત બની રહે. પરંતુ માત્ર પ્રસ્તુત ગ્રંથમાળાના ફંડથી એ કામ લાંબો સમય ચાલે નહિ. જો આ ગ્રંથમાળા માટે સભ્યપદ્ધતિ પ્રયોજવામાં આવે તો તેનો અપૂર્વ વિકાસ સાધી શકાય અને જૈન સમાજમાં આવાં ઉત્તમ પુસ્તકોની એક ભવ્ય પ્રણાલી શરૂ થાય.”
જો અમારો ખ્યાલ બરાબર હોય, તો સદ્ગત શ્રી મોતીચંદભાઈ ઇચ્છતા હતા કે જૈન સાહિત્યના ખજાનામાં પ્રાચીન ગુજરાતી ભાષાના જે રાસ કે રાસાઓ સેંકડોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org