________________
૨૩૬
જિનમાર્ગનું જતન
કરીને આકર્ષક અને રોચક ધર્મકથાઓ તથા ધાર્મિક કાવ્યો-મહાકાવ્યોની રચના કરવાની પાછળ ધર્મભાવનાને લોકજીવનમાં વહેતી કરવાનો જે ઉદાત્ત આશય રહેલો છે, એવો જ શુભ આશય ધાર્મિક કથાવસ્તુના આધારે રચાયેલાં નાટકો ભજવવાની પાછળ રહેલો છે. અને તેથી આ વર્ગ આવાં નાટકોને આવકારે છે. અલબત્ત, આવો આવકાર આપવા છતાં, આવાં ધાર્મિક નાટકોમાં આપણા ધર્મસ્થાપકો અને મહાપુરુષોમાંથી નાટકોમાં ઉતારવાના પાત્ર તરીકે કોને પસંદ કરવા એની મર્યાદા એ વર્ગ સ્વીકારે જ છે.
મુંબઈમાં પવા થિયેટર્સે તૈયાર કરેલ નાટક ભજવવામાં આવે એનો વિરોધ કરતા તથા એની તરફેણ કરતા અભિપ્રાયો-ચર્ચાપત્રો મુંબઈના સુપ્રસિદ્ધ દૈનિક “મુંબઈ સમાચારમાં ઠીકઠીક પ્રમાણમાં રજૂ થયાં છે. આ હકીકત પણ અમે ઉપર નોંધેલી વાતનું જ સમર્થન કરે છે, કે આ નાટક ભજવાય એ બાબતમાં પ્રતિકૂળ તથા અનુકૂળ એમ બંને પ્રકારના અભિપ્રાયો આપણા સંઘમાં પ્રવર્તે છે.
વળી, અહીં એ વાતની પણ નોંધ લેવી ઘટે છે, કે “મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ વિરોધના અભિપ્રાયો તથા આ નાટક ભજવાતું અટકે એ માટે મહારાષ્ટ્ર સરકાર સમક્ષ પોતાનો સખ્ત વિરોધ નોંધાવવાની કરવામાં આવેલ હાકલ પછી પણ આ નાટકને ભજવાતું અટકાવવામાં સફળતા મળી નથી, અને મુંબઈનાં જુદા-જુદાં નાટ્યગૃહોમાં આજ પૂર્વે જુદા-જુદા સમયે એ ભજવાયું પણ છે.
ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ-મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણીનો વિરોધ કરવા માટે તેમ જ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ગયા વર્ષે થયેલ પ્રતિષ્ઠાના આદેશો આપવાની પદ્ધતિનો વિરોધ કરવા માટે આપણા સંઘના જ એક વર્ગે જે અતિઝનૂની અને તોફાની વલણ અખત્યાર કર્યું હતું અને પોતાનો કક્કો ખરો કરવા લાખો રૂપિયાનું આંધણ કરીને વર્તમાનપત્રોમાં જે બેફામ અને વિવેકશૂન્ય પ્રચાર કર્યો હતો, તેથી જૈન ધર્મ, સંઘ અને સંસ્કૃતિની હીલના પણ સારા પ્રમાણમાં થવા પામી હતી તે સુવિદિત છે. આવી બધી ઝનૂનથી ભરેલી ચળવળનો મહારાષ્ટ્ર સરકારને ઠીકઠીક કડવો અનુભવ થયો હતો, એટલે આ નાટકનો વિરોધ કરનાર કેટલાક મોવડીઓને મહારાષ્ટ્ર સરકારે, નજીકના ભૂતકાળમાં થયેલ આવા કડવા અનુભવનું પુનરાવર્તન થવા ન પામે એટલા માટે, ચેતવણી આપવાનું જરૂરી અને ઉચિત માન્યું હોય એ બનવા જોગ છે. એ ગમે તેમ હોય, પણ આપણા મોવડીઓને આવી ચેતવણી આપવામાં આવે એ વાત ન તો આપણા માટે રાજી થવા જેવી છે કે ન શાણા અને શાંત ગણાતા જૈનસંઘને માટે શોભારૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org