________________
સદ્ગુણવર્ધક ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષક : ૪
૨૫૧
નીતિ-સદાચાર-પોષક ધર્મનું શિક્ષણ કેવી રીતે આપવું અને એ શિક્ષણ પાછળની અને એ માટે નક્કી કરવામાં આવતા અભ્યાસક્રમ પાછળની દૃષ્ટિ કેવી હોવી જોઈએ એનો વૈજ્ઞાનિક અને માનસશાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કરવાની જરૂર છે. આવી દૃષ્ટિથી ધર્મશિક્ષણ માટેના અભ્યાસક્રમની યોજના કરવામાં આવે તો જ એ વિજ્ઞાન અને બુદ્ધિવાદી વાતાવરણ વચ્ચે ઊછરતી આપણી નવી પેઢીમાં આવા શિક્ષણ પ્રત્યે રુચિ અને આદર જન્માવી શકે.
અમારા “જૈન' પત્રના તા. ૨૦-૧૨-૧૯૬૯ના અંકનો “નવી પેઢીનું સમાજદર્શન' એ અગ્રલેખ તથા ૧૭-૪-૧૯૭૦ના અંકનો અભ્યાસક્રમનું આવકારપાત્ર એકીકરણ' એ અગ્રલેખ વાંચ્યા પછી કલકત્તાનિવાસી શ્રી ગોપીચંદજી ઘાડીવાલે આગ્રાથી પ્રગટ થતા હિન્દી “શ્વેતવર નૈન પક્ષના તા. ૧-૭-૧૯૭૦ના અંકમાં “ઘર્મજ રિક્ષા' નામે એક લેખ લખીને જૈનધર્મના શિક્ષણ માટેનો અભ્યાસક્રમ નક્કી કરવા પાછળ આપણી દૃષ્ટિ કેવી હોવી જોઈએ, એ સંબંધી કેટલુંક નિરૂપણ જૈનધર્મ-દર્શનની કેટલીક મૂળભૂત વિશેષતાઓને ધ્યાનમાં રાખીને કર્યું છે. તેમનું આ નિરૂપણ ધ્યાનમાં લેવા જેવું હોવાથી એમણે એમના લેખમાં રજૂ કરેલા મુદ્દાઓ અહીં સાભાર રજૂ કરીએ છીએ :
(૧) અંધશ્રદ્ધાનો આશ્રય ક્યારેય ન લેવો. હિંદુધર્મ વેદોને અપૌરુષેય (જેની રચના પુરુષે – વ્યક્તિએ નથી કરી એવા) માને છે. ખ્રિસ્તી ધર્મ ઈશ્વરની આજ્ઞા છે અને ઇસ્લામ ખુદાનો હુકમ છે. પરંતુ જૈનધર્મના તીર્થકરો ન તો આદેશ આપે છે કે ન તો નિષેધ કરે છે; તેઓ તો પોતાના કઠોર પરિશ્રમથી અને જીવનના અનુભવને આધારે શોધેલા કુદરતના કાનૂનને સમજાવે છે. આ કાનૂનોનું સાચાપણું માનવી પોતાની બુદ્ધિ અને યોગ્યતા દ્વારા પોતાના અનુભવોને આધારે સમજી શકે છે, એને માટે અંધશ્રદ્ધાની કશી જરૂર નથી. પ્રાચીન સમયના જૈનાચાર્યોએ પણ યુક્તિ, સમજણ અને અનુભવને જ મહત્ત્વ આપ્યું છે, નહીં કે અંધશ્રદ્ધાને. જ્યારે ગણધર ખુદ ભગવાન મહાવીરની પાસે શંકા-સમાધાનને માટે ગયા ત્યારે ભગવાને એમનું તર્કથી સમાધાન કર્યું, પરંતુ એમ ન કહ્યું કે હું સર્વશ છું, માટે મારી વાત સ્વીકારી લ્યો. જૈન સિદ્ધાંતો બુદ્ધિ અને અનુભવને આધારે ઘડાયેલા છે, તેથી પોતાના અજ્ઞાન કે સમજવા-સમજાવવાની પોતાની અશક્તિને કારણે અંધશ્રદ્ધાનો આશ્રય ન લેવો જોઈએ. આપણી માન્યતા એવી હોવી જોઈએ કે જૈન સિદ્ધાંતો સાચા છે માટે ભગવાને એની પ્રરૂપણા કરી છે, નહીં કે ભગવાને પ્રરૂપણા કરી છે એટલા માટે જ એ સાચા છે.”
જૈન દર્શનની અંધશ્રદ્ધાવિમુખ, બુદ્ધિપ્રધાન, વૈજ્ઞાનિક દૃષ્ટિનો આ રીતે નિર્દેશ કર્યા પછી જૈનધર્મની ગુણવત્તા-પ્રધાન પ્રકૃતિનો ખ્યાલ આપીને એને મહત્ત્વ આપવાનું સૂચન કરતાં તેઓ કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org