________________
૨૪૮
(૪) ધાર્મિક અભ્યાસક્રમ પાછળની દૃષ્ટિ
હમણાં-હમણાં ધાર્મિક શિક્ષણની જરૂરિયાત, ધાર્મિક અભ્યાસક્રમની વ્યાપક એકરૂપતા, યોગ્ય ધાર્મિક શિક્ષકોની પૂરતી સંખ્યા, તેઓ ઉત્સાહપૂર્વક કાયમને માટે કામ કરવા પ્રેરાય એવી આર્થિક જોગવાઈ અને તેઓનો દરજ્જો સમાજમાં બહુમાનયુક્ત અને મોભાદાર બને એવી યોજના અંગે આપણા સંઘમાં જે કંઈ વિચારણા ચાલી રહેલ છે તે આવકારપાત્ર છે, શુભસૂચક છે.
જિનમાર્ગનું જતન
શાળાઓ અને કૉલેજોમાં જ્ઞાન-વિજ્ઞાનના વિવિધ વિષયોનો અભ્યાસ કરતાં આપણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જૂની ચીલાચાલુ ઢબે ધાર્મિક શિક્ષણ રસપૂર્વક લેવા પ્રેરાય એ હવે શક્ય લાગતું નથી. આ માટે તો આપણે એમની જિજ્ઞાસાને સંતોષે અને પ્રોત્સાહિત કરે એવો અભ્યાસક્રમ તૈયાર કરવો જોઈએ, અને એ અભ્યાસક્રમને ન્યાય આપી શકે એવા વ્યાપક ધર્મજ્ઞાન અને ધર્મદૃષ્ટિ ધરાવતા શિક્ષકો તૈયાર કરવા પડશે.
સ્વ. શ્રી દોલતચંદ ઉમેદચંદ બરોડિયા આપણા ધર્માનુરાગી ચિંતક હતા, અને આપણી ઊગતી પેઢીને ધાર્મિક શિક્ષણ કેવી ઢબે આપવું જોઈએ એ અંગે ખાસ વિચારો ધરાવતા હતા. સને ૧૯૫૯ની સાલમાં મુંબઈની જૈન સંસ્થાઓ તરફથી એમનું બહુમાન કરવામાં આવ્યું તે પ્રસંગે બહુમાનનો જવાબ આપતાં, પોતાને અતિપ્રિય એવા ધાર્મિક શિક્ષણ અંગે નિર્દેશ કરવાનું તેઓ ચૂકયા ન હતા. ધાર્મિક અભ્યાસક્રમ અંગેની પોતાની દૃષ્ટિનું સૂચન કરતાં તેઓએ કહ્યું હતું –
“ જૈનધર્મનું શિક્ષણ અનેક સંસ્થાઓમાં આપવામાં આવે છે, અને આ બાબતમાં અનેક ચર્ચાઓમાં મેં ભાગ લીધો હતો તે મને યાદ છે. જ્યારે પ્રતિક્રમણ જેવાં સૂત્રોને શિક્ષણક્રમની બાળપોથી ગણવાનો આગ્રહ સેવવામાં આવતો મેં જોયો ત્યારે મને ઘણો જ અચંબો લાગેલો. આ તકે હું એટલું જ કહીશ કે પૂજ્ય પંડિત સુખલાલજીએ શ્રીમદ્ભા વચનામૃતની સમાલોચના કરતાં જણાવ્યું છે કે ધાર્મિક શિક્ષણક્રમ ગોઠવવામાં સહાયરૂપ એવું શ્રીમના સાહિત્યમાં ઘણું ભરેલું છે. વિદ્યાર્થીઓ હોંશેહોંશે ધાર્મિક શિક્ષણનો લાભ લે અને ધર્મના સિદ્ધાંતો સમજે ને અપનાવે તેવો શિક્ષણક્રમ ગોઠવવામાં આ ઉપરાંત અન્ય ધાર્મિક સાહિત્ય-સામગ્રીનો પૂરતો લાભ પણ લેવાવો જોઈએ. આપણા ચારિત્ર્ય-ઘડતરનો પાયો ધાર્મિક શિક્ષણમાં રહેલો છે, તે બાબતમાં સહેજ પણ શંકા નથી.”
શ્રી દોલતચંદભાઈએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓ હોંશેહોંશે ધાર્મિક શિક્ષણનો લાભ લે અને ધર્મના સિદ્ધાંતો સમજે ને અપનાવે તેવો શિક્ષણક્રમ ગોઠવવા'ની જે વાત કરી છે તે બહુ જ અનુરૂપ, સમયસરની અને ઉપયોગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org