________________
૨૪૬
જિનમાર્ગનું જતન વિદ્યાર્થિનીઓને નીતિસદાચારનું પોષક ધાર્મિક શિક્ષણ શાળા-મહાશાળાઓમાં આપવાની જરૂર સ્પષ્ટરૂપે સમજાતી હોવા છતાં, એને અમલી બનાવવાનો વ્યવહાર માર્ગ જડતો નથી એ મૂંઝવણ કંઈક સમજી શકાય છે. અલબત્ત, સંખ્યાબંધ ધર્મો ધરાવતા હિંદુસ્તાનની આ માટેની મૂંઝવણ કદાચ બીજા દેશોની મૂંઝવણ કરતાં કેટલેક અંશે જુદી હોઈ શકે.
આ મૂંઝવણ પાછળનું તત્ત્વ શું હોઈ શકે એનો નિશ્ચિત નિર્દેશ કરવામાં ભલે મુશ્કેલી હોય, છતાં અમને લાગે છે કે આ તત્ત્વ એ હોઈ શકે કે ધર્મ, નીતિ કે સદાચારનો વિષય જેટલા પ્રમાણમાં અભ્યાસનો છે, તેનાં કરતાં ઘણા વધારે પ્રમાણમાં આચરણનો છે. અને એવો વિષય શીખવનારની વિદ્વત્તા વિદ્યાર્થીના ચિત્ત ઉપર જેટલા પ્રમાણમાં અસર કરી શકે છે એના કરતાં અધ્યાપકની સદાચારશીલતાની કે આચારહીનતાની વિદ્યાર્થીના મન ઉપર સારી કે માઠી છાપ વધારે સચોટપણે પડે છે. શીખવનારમાં આ વિષયની જાણકારી તો હોય જ, પણ સાથેસાથે એ વિષય એના જીવનમાં વણાઈ ગયો હોવો જોઈએ; તો જ એ સામી વ્યક્તિનું જીવનઘડતર કરી શકે.
આવા ચરિત્રસંપન શિક્ષકો આજે તો ખૂબખૂબ દુર્લભ બની ગયા છે; અને આવા સુયોગ્ય શિક્ષકોના અભાવમાં શાળાઓમાં એને મળવું જોઈતું સ્થાન ન મળે, તો નવાઈ પામવા જેવું ન કહેવાય.
ઉપર્યુક્ત નોંધમાં સદાચારનું શિક્ષણ વધુ પડતું આત્મલક્ષી, અસ્પષ્ટ અને પરિવર્તનશીલ હોવાને કારણે શિક્ષણનો વિષય ન બની શકે એમ કહેવામાં આવ્યું છે. પણ ધર્મના બાહ્યાચાર અને બાહ્ય નિયમો કે રીતિરિવાજોને મહત્ત્વ ન આપતાં દયા, કરુણા, અહિંસા, સત્ય, અચૌર્ય, સંયમ, અસંગ્રહ વગેરે પાયાની કાર્યસાધક મનોવૃત્તિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો મુશ્કેલી જરૂર વટાવી શકાય.
(તા. ૧૯-૮-૧૯૬૭)
(૩) પારિવારિક વાતાવરણઃ ધાર્મિક શિક્ષણનો પાયો
“બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા' એ કહેવત તો આપણે હજી ભૂલ્યા નથી, પણ એનું રહસ્ય અને એનો અમલ ભૂલી ગયા હોઈએ એમ તો લાગે જ છે. આપણે પોતે ગમે તેમ વર્તીએ, આપણાં સંતાનોને પણ મન ફાવે તેમ વર્તવાની છૂટ આપીએ, અને છતાં આપણે ઈચ્છીએ છીએ કે આપણાં દીકરા-દીકરીઓ ગુણવાન, સંસ્કારી, બુદ્ધિશાળી અને કાબેલ થાય – જાણે બાવળ વાવીને આપણે કેરીની આશા સેવીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org