________________
૨૪
જિનમાર્ગનું જતન કરવો જોઈએ; કારણ કે માગધી ભાષામાં ગોખેલું તત્ત્વજ્ઞાન પોપટિયા જ્ઞાન માફક મુખે ચડી જાય છે, પણ તેનો ગુજરાતી અર્થ બરાબર નહીં જાણવાથી ઘણા જૈનોમાં પરધર્મની છાયા આવતી જાય છે..... તો ગુજરાતી ભાષામાં જૈન સિદ્ધાંતનો ફેલાવો કરવા જૈન વિદ્વાનોને અપીલ કરશો તેવી આશા છે.......”
ઉપર આપવામાં આવેલ લખાણમાં પત્રલેખક ભાઈએ પોતાની સાદી સમજણ મુજબ સાદી ભાષામાં જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો તરફ ધ્યાન દોર્યું છે. છાશવારે ને છાશવારે અનેક દેવદેવીઓની માનતામાં પડવું, વારંવાર વહેમનું પોષણ કરવું, દુન્યવી સારા-ખોટા લાભાલાભ માટે નિરાકાર-નિરંજન પરમાત્માને વચમાં લાવવા, અનંત વીર્યના ધણી એવા પોતાના આત્માના પુરુષાર્થને વીસરી જઈને નજીવી સિદ્ધિઓ માટે માનતાઓ કે અંધશ્રદ્ધાઓના અંધારામાં અટવાયા કરવું, જે કંઈ સારું-ખોટું થાય છે તે પ્રાણીના પોતાના કર્મના કારણે જ થાય છે એ પાયાના સિદ્ધાંતને વિસારી મૂકવો; ટૂંકમાં: સ્વાધીન-આત્મા મટીને પરાધીન બનવું – એ જૈનધર્મના પાયારૂપ સિદ્ધાંતોથી સદંતર વેગળું છે એ કહેવાની વિશેષ જરૂર નથી.
જૈનધર્મના મૂળ સિદ્ધાંતો ખૂબખૂબ ઊંચા અને નર્યા ગુણલક્ષી એટલે કે આત્મલક્ષી હોવા છતાં આજના જૈનધર્મીઓનાં જીવન વહેમ અને શંકાઓનાં જાળાંઝાંખરાંઓથી ઘેરાઈ ગયાં છે. જેનધર્મની સેવા કરવાની ધગશ સેવતા આગેવાનોએ ખાસ કરીને આપણાં જૈનાચાર્યોએ અને મુનિવરોએ જૈનસમાજને આવા વહેમના વમળમાંથી બહાર કાઢવાનું બીડું ઝડપવું જોઈએ એમ અમને લાગે છે.
આ માટેના અનેક ઉપાયોમાં પત્ર-લેખક ભાઈએ જણાવ્યું છે તેમ આપણા ધર્મસિદ્ધાંતના ગ્રંથોને સરળ ગુજરાતી ભાષામાં (અને હિન્દી તેમ જ મરાઠી, બંગાળી વગેરે ભાષાઓમાં પણ) ઉતારવા એ ખરે જ બહુ કારગત નીવડે એવો ઉપાય છે; આવા સૌ કોઈ સમજી શકે તેવા સાહિત્યના અભાવમાં આખો સમાજ નરી અંધશ્રદ્ધાના દોર ઉપર નાચ્યા કરે છે. આ સ્થિતિ બહુ ઈચ્છવા જેવી નથી. શ્રદ્ધાને જીવનમાં અમુક અને વિશિષ્ટ સ્થાન છે એ ખરું, પણ જીવનનું સર્વસ્વ કેવળ શ્રદ્ધામાં જ સમાઈ જાય એ બરાબર નથી. ખરી વાત તો એ છે, કે જ્ઞાનની પુષ્ટિ પામીને શ્રદ્ધા વધુ સ્થિર અને વધુ વિશુદ્ધ બને છે. એટલે જ્ઞાનના માર્ગથી લેશ પણ ભડકવાની કે ડરવાની જરૂર નથી. આવા સર્વભોગ્ય સાહિત્યનો પ્રચાર કરવો એટલે જ જ્ઞાનનો પ્રચાર કરવો.
(તા. ૧૫-૮-૧૯૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org