________________
૨૩૦
જિનમાર્ગનું જતન છબી એના રંગો અને એની રેખાઓ સહિત એવી પરિપૂર્ણ લેવરાવી શકાય કે જાણે હૂબહૂ અસલ ચિત્ર કે શિલા જ! અને આટલું જ શા માટે? આપણે ઇચ્છીએ તો કોઈ પણ ગ્રંથ કે કોઈ પણ કળામય તીર્થભૂમિની સળંગ આખી ફિલ્મ પણ ઉતારી શકીએ, અને પછી મન ચાહે ત્યારે એ દ્વારા એ કળાકૃતિઓનાં દર્શન કરી-કરાવી શકીએ.
અલબત્ત, આગળ વધેલી છબીવિદ્યા અને મુદ્રણકળાનો આપણે અમુક અંશે ઉપયોગ તો કર્યો જ છે; અને એને લીધે પ્રાચીન ચિત્રકળા અને શિલ્પકળાનાં દર્શન કરાવતા કેટલાક ચિત્રસંપુટો (આલ્બમો) આપણે ત્યાં તૈયાર થયા છે. તેમાં ય પ્રાચીન શિલ્પકળા કરતાં ચિત્રકળાને રજૂ કરતા ચિત્રસંપુટો કદાચ વધારે સંખ્યામાં તેમ જ વધારે સારા રૂપમાં પ્રગટ થયા હશે. આમ છતાં, આપણી પ્રાચીન ચિત્રકળા અને શિલ્પકળા, એ બંને પ્રકારની કળાસમૃદ્ધિને જાહેરમાં યથાસ્થિત અને સુંદર રૂપમાં રજૂ કરવાના ક્ષેત્રે ઇતર ધર્મપરંપરાઓ દ્વારા દેશમાં અને દુનિયાના ઇતર દેશોમાં જે કંઈ કામ થયું છે અને થઈ રહ્યું છે, એ દૃષ્ટિએ, હજી આપણે ઘણુંઘણું કરવાનું બાકી છે એમ અમને લાગે છે. અત્યાર લગીમાં આ દિશામાં આપણે જે કંઈ કામ કર્યું છે તે તો “પાશેરામાં પહેલી પૂણી” જેવું જ ગણી શકાય એવું છે.
ક્યારેક, જ્યાં દેશ-વિદેશનાં પુસ્તકો અને ખાસ કરીને ચિત્ર-સંપુટો જોવા મળી શકતાં હોય એવા કોઈ મોટા ગ્રંથ-વિક્રેતાની દુકાને જઈને જોઈએ તો છેલ્લાં દસેક વર્ષમાં, દેશનાં અને દુનિયાનાં કળાધામોને લગતા જે સમૃદ્ધ ચિત્રસંગ્રહો ખૂબ સુંદર અને આકર્ષક રૂપમાં પ્રગટ થયેલા હોય, તે જોવા મળે છે. તે જોઈને સાચે જ અચરજ ઊપજે છે, આનંદ પણ થાય છે, અને સાથેસાથે આપણી પાસેની વિપુલ કળા-સામગ્રીને દુનિયા સમક્ષ સુંદર વ્યવસ્થિત રૂપમાં રજૂ કરવામાં આપણે જે રીતે પછાત અને ઉદાસીન રહ્યા છીએ અને હજી પણ રહીએ છીએ – એનો વિચાર આવતાં મનમાં નિરાશા પણ થઈ આવે છે.
આબુ તીર્થનાં દેવધામોની અદ્દભુત, સજીવ અને સુકુમાર કોરણીએ વિદેશીઓને પણ મુગ્ધ બનાવ્યા હતા, અને એમણે એ કળાધામોને જગવિખ્યાતિ અપાવી હતી. આપણે પણ એવી કળાસમૃદ્ધિની પ્રશંસા કરતાં થાકતાં નથી. પરંતુ છબીવિદ્યા આટઆટલી આગળ વધ્યા છતાં, ધર્મ નિમિત્તે કે ગ્રંથો છાપવા નિમિત્તે આપણા હાથે દર વર્ષે અઢળક પૈસો ખર્ચાવા છતાં અને આ તીર્થ પ્રત્યે આપણી ખૂબખૂબ ભક્તિ અને પ્રીતિ હોવા છતાં, એની વિપુલ શિલ્પકળાનાં દર્શન કરાવી શકે એવો એક પણ ચિત્રસંપુટ આપણે પ્રગટ કરી શક્યા નથી; એ માટે કોને, શું કહીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org