________________
૨૦૮
જિનમાર્ગનું જતન
(૯) ધરમ પરોણો, વરસે હૈયું
લાખાબાવળસૌરાષ્ટ્ર)થી પ્રગટ થતા “શ્રી મહાવીર-શાસન' પાક્ષિકના તા. ૧૬૪-૧૯૫૭ના અંકમાં એક જાણવા જેવો પ્રસંગ વર્ણવાયો છે. એ પ્રસંગનો અનુભવ “શ્રી મહાવીર-શાસન' પત્રના આદ્યતંત્રી અને અત્યારના મુનિશ્રી જિનેન્દ્રવિજયજીને પોતાને જ થયેલો છે; એટલે એની યથાર્થતામાં શંકા લાવવાનું કોઈ કારણ નથી.
જૈનેતર-સંસ્કાર' એ મથાળા નીચે છપાયેલ કોઈ પ્રેરક કથા જેવો એ પ્રસંગ આ પ્રમાણે છે :
પૂજ્ય મુનિરાજ શ્રી જિનેન્દ્રવિજયજી-આદિ અતિઆગ્રહથી દીક્ષા બાદ બે દિવસ વઢવાણ સીટીમાં રોકાયા હતા. વ્યાખ્યાનમાં લોકોએ ઠીક લાભ લીધો હતો. ફા. સુદ ૪ના બપોર પછી વિહાર કરતાં મોટો સમુદાય વળાવવા માટે આવ્યો હતો. કેમ્પ-દરવાજે મંગલિક સંભળાવી પૂ. મુનિશ્રીએ થોડી વાર ધર્મદેશના આપી હતી. તળાવ પાસે બીજી વખત મંગલિક સંભળાવેલ અને ત્યાંથી સર્વે સ્નેહાર્દ હૃદયે પાછા ફર્યા હતા. કેમ્પમાં પૂજ્ય પં. શ્રી કાન્તિવિજયજી મ. ની નિશ્રામાં થયેલ પ્રતિમા વિસર્જન-વિધિમાં ભાગ લઈ પૂ.મ. શ્રીએ ફા.સુદ ૫ના બપોર પછી વિહાર કર્યો હતો.
ગોદાવરીની છાપરીએ રાત રહી સવારે આગળ ચાલ્યા હતા. સૂર્યોદયને અર્ધા કલાક થયો હશે, એકાએક વાયવ્ય કોણમાંથી વાદળાંઓના ગંજ આવવા લાગ્યા. જોતજોતામાં તો આખું આકાશ અષાઢ મહિનામાં હોય તેવું થઈ ગયું. થોડી વારમાં ધુમ્મસ એકદમ વરસવું શરૂ થયું. આ વખતે મ. શ્રી કુકડા ગામ પાસે પહોંચ્યા હતા.
ત્યાં ગામ બહાર પૂછપરછ કરતાં ગામમાં ચોરો છે એમ નક્કી થતાં ધુમ્મસમાં થોડી વાર બેસવા ગામમાં ગયા.
તે વખતે એક સાત વર્ષનો છોકરો પૂછવા લાગ્યો : “તમારે ક્યાં જવું છે ?' મ. શ્રીએ કહ્યું : “મૂળી જવું છે, પરંતુ ધુમ્મસ છે એટલે કલાકેક કયાંય બેસવું છે. ચોરો કઈ બાજુ છે?' છોકરાએ કહ્યું : “અમારે ઘેર ચાલો.' હરખાતો-હરખાતો તે મ. શ્રીને તેને ઘેર લઈ ગયો. જરા વિચારજો : આ બાળકને જૈનધર્મ શું છે તેની ખબર પણ નથી. પણ એમના માબાપોમાં ધર્મના સંસ્કાર કેવા હશે ? ગામમાં વણિકનું એક પણ ઘર ન હોવા છતાં આ પ્રમાણે સાધુને બહુમાનથી તે પોતાને ઘેર લાવે ! આવો બાળક કેવી રીતે તૈયાર થયો હશે ?
“આપણી સ્થિતિ કેવી છે? આંગળી ચીંધી મહારાજને ઉપાશ્રય બતાવી દેવા જેવી જ ને ! ફળીમાં જતાં જ તેના પિતા બેઠા હતા તે ઊભા થઈ ગયા અને પધારો, પધારો, અમારાં ધન્ય ભાગ્ય, અમારે આંગણે આવ્યા” – એમ કહેતાં અંદર તેડી ગયા અને જાજમ લાવી પાથરવા લાગ્યા, તથા કહેવા લાગ્યા કે “મહારાજ, ચા-પાણી તૈયાર છે, માટે લાભ આપો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org