________________
જ્ઞાનપ્રસારની પ્રવૃત્તિઓ : ૧
જનસમૂહનું ધ્યાન અહિંસક સંસ્કૃતિનો પ્રચાર કરતા ધર્મ તરફ જાય એ સ્વાભાવિક છે. લોકજીવનમાં અહિંસાની પ્રતિષ્ઠા વધારવામાં મહાત્મા ગાંધીએ જે સફળ, ભગીરથ પ્રયત્ન કર્યો છે, એના લીધે પણ વિશ્વના સામાન્ય જનસમૂહને અહિંસાનું શરણું શોધવામાં પોતાની વિશેષ સલામતી લાગે એમાં નવાઈ નથી. અલબત્ત, હજી એને અમલી રૂપ આપવાનો વ્યવહારુ માર્ગ શોધી કાઢવાનો બાકી છે.
વિશ્વમાં વ્યાપેલી બિન-સલામતીની ભીતિને દૂર કરવા માટે અહિંસાના નિર્મળ માર્ગે મૈત્રી અને ભાઈચારાની ભાવનાનો પ્રચાર અને અમલ કરવા પુરુષાર્થ કરવો એ અહિંસાના સર્વોદયકારી ધ્યેયને વરેલ પ્રત્યેક ધર્મ કે સંસ્કૃતિના ઉપાસકની પહેલી અને પવિત્ર ફરજ છે. એ ફરજની ઉપેક્ષા એટલે એ ધર્મ કે સંસ્કૃતિની જ ઉપેક્ષા સમજવી.
ધર્મ કે સંસ્કૃતિ જીવે છે માનવીના પોતાના આચરણમાં; પણ યુગોના યુગો સુધી માનવીને માનવતાનો, ધાર્મિકતાનો કે સંસ્કારિતાનો અમર સંદેશો મળતો રહે છે એ ધર્મ કે સંસ્કૃતિનાં શાસ્ત્રો અને ગ્રંથો મારફત જ. આ રીતે વિચારતાં ધર્મશાસ્ત્રો એ માનવજીવનની અમૂલ્ય અને શાશ્વત મૂડીનું સ્થાન પ્રાપ્ત કરી લે છે.
આ કસોટીએ કસતાં જૈન સાહિત્યનું સ્થાન ઘણું ગૌરવભર્યું છે; અને આપણને આવો વિદ્યા-વારસો મળ્યો છે તે આપણું મોટું સદ્ભાગ્ય છે. એટલે જે સાહિત્ય આખી દુનિયાને માટે ઉપકારક સાબિત થઈ શકે એમ છે, એ સાહિત્યને યુગાનુરૂપ સ્વરૂપમાં દુનિયાની સમક્ષ રજૂ કરતાં રહેવું એ જૈનોની બહુ મોટી જવાબદારી છે. પણ એ જવાબદારીને તેઓ યોગ્ય પ્રમાણમાં ભાગ્યે જ અદા કરી શક્યા છે. એટલું સારું થયું કે આપણા આ યુગના કેટલાક જ્યોતિર્ધર મહાપુરુષોના પ્રયાસથી તેમ જ જૈન સાહિત્યની પોતાની ગુણવત્તા અને વિશિષ્ટતાને કારણે કોઈ વિશિષ્ટ પ્રયાસ વગર પણ, કેટલાક દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનોનું ધ્યાન જૈન સાહિત્ય તરફ ગયું છે અને એમણે એનું સાચું મૂલ્ય પિછાણીને એ ક્ષેત્રમાં પોતાનો પુરુષાર્થ કર્યો છે.
અમે જ્યારે જૈન-સાહિત્ય-સંમેલનનો વિચાર કરીએ છીએ, ત્યારે આવા વિશાળ ધ્યેયવાળા અને જૈન સંસ્કૃતિના સમર્થ મૂળને પોષતા સંમેલનનો જ વિચાર કરીએ છીએ, કે જેમાં વિવિધ વિષયના વિપુલ જૈન સાહિત્યનો તલસ્પર્શી, મર્મસ્પર્શી અને સર્વસ્પર્શી રીતે વિચાર કરવામાં આવે, એ ક્ષેત્રમાં સંશોધન-સંપાદન કરનાર વિદ્યાતપસ્વીઓને એકત્ર કરીને એમનાં વિચારવિનિમય અને માર્ગદર્શનનો લાભ લેવામાં આવે અને જૈન સાહિત્ય પ્રત્યેની વધતી જિજ્ઞાસા અને લોકરુચિને ધ્યાનમાં રાખીને એનાં પ્રકાશન અને પ્રચારની નક્કર યોજના ઘડી કાઢીને એને અમલી રૂપ આપી શકે એવું વ્યવસ્થા-તંત્ર ઊભું કરવામાં આવે.
*
Jain Education International
For Private & Personal Use Only
૨૧૫
www.jainelibrary.org