________________
૧૭૦
જિનમાર્ગનું જતન
પોતાની પત્નીને બદચાલવાળી જાણીને કયો માનવી આવેશમાં ન આવી જાય? આવા આવેશમાં એ ખૂન કરી બેઠો અને એના બદલામાં એ સદાને માટે પોતાની જિંદગીથી હાથ ધોઈ બેઠો !
આમાં ન્યાયમંદિરનો અને ન્યાયમૂર્તિનો શો દોષ કાઢવો? એને તો પોતાની સામેના કાયદા મુજબ, હકીકત અને પુરાવાઓના પ્રકાશમાં જ ન્યાય આપવાનો હોય; એમાં એ શું કરી શકે ?
ત્યારે આમાં ખરો વાંક તો સંસી જેવી જીવલેણ સજાના અસ્તિત્વનો જ ગણાય ! જો કાયદાશાસ્ત્રમાં આવી અમાનુષી સજાને સ્થાન જ ન હોત તો ભાઈ થોમસ અને એના જેવા ભાવનાશીલ અને સંવેદનશીલ કેટલા બધા માનવીઓ મોતના પંજામાંથી બચી ગયા હોત અને પોતાની જેલવાસની સજા પૂરી થતાં પોતાના જીવનને સારે માર્ગે દોરી જવાની તક મેળવી શક્યા હોત.
વળી, આવી સજાને કાયદાપોથીમાંથી સદાને માટે નાબૂદ કરવાની તરફેણની વિચારણામાં એ હકીકત પણ ઉપયોગી થઈ શકે એમ છે, કે જ્યારથી આ સજા
અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં લાખો-કરોડો માનવીઓ - યુવાનો, પ્રૌઢો, વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષો – શૂળી અને ફાંસીનો ભોગ થતાં જ રહ્યાં, છતાં આવા ગુનાઓનું પ્રમાણ કેટલું ઓછું થવા પામ્યું ? આજે તો સજાઓનો એક વધુ મહત્વનો બનેલો હેતુ ગુનાઓ ઓછા થવા પામે એ છે.
આનો અર્થ કોઈ એવો કરે કે બીજી સજાઓનો અમલ પણ ચાલુ હોવા છતાં તે-તે ગુનાઓનું પ્રમાણ ઘટતું હોય એમ લાગતું નથી, માટે એવી બધી સજાઓ પણ રદ કરવી – તો એ તો અર્થનો અનર્થ કર્યો કહેવાય અને વિવેક ચુકાઈ ગયો ગણાય. આવો વિચાર કરતી વખતે બીજી સજાઓ અને ફાંસીની સજા વચ્ચે જે પાયાનો ભેદ છે તે ધ્યાન બહાર જાય છે. બીજી સજાઓ માનવીની જિંદગી સાથે ચેડાં ન કરતી હોવાથી એ સજા પૂરી થયા બાદ એને પોતાનું જીવન નવેસરથી શરૂ કરવાની તક મળે છે; જ્યારે ફાંસીની સજા ગુનેગાર માટે આવો કોઈ અવકાશ જ રહેવા દેતી નથી. એટલે પ્રશ્ન થાય કે સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થામાં એવી સજાને શા માટે સ્થાન હોવું જોઈએ કે જે સજા માનવીને સદાને માટે જીવનસુધારણાની તકથી વંચિત બનાવીને અકાળે મોતના મોંમાં ધકેલી દેતી હોય?
વળી, એક સામાન્ય સમજની છતાં પૂરેપૂરા મહત્ત્વની વાત એ પણ છે, કે જેને આપણે જિંદગી આપી શકતા ન હોઈએ, એની જિંદગી કાયદાની જોગવાઈથી પણ હરી લેવાનો કોઈને અધિકાર આપવો એ કેવળ અન્યાય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org