________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો
(૧) પ્રતિભાશીલ અહિંસાદષ્ટિઃ સ્થિર વિજયમાર્ગ
અહિંસાને પોતાના જીવનધ્યેય તરીકે સ્વીકારીને એની સાધનામાં પોતાના સર્વસ્વનું સમર્પણ કરનાર અને દુનિયાને અહિંસાને માર્ગે જ દોરનાર મહાપુરુષનો – ભલે તે મહાવીર હોય, બુદ્ધ હોય, કનફ્યુશિયસ હોય, ઇસ હોય કે નામી-અનામી ગમે તે સંત હોય – આજની દુનિયાને ભારે ખપ છે; એવાઓની આજની દુનિયા શોધ કરી રહી છે.
અનાજમાં તો સદાકાળ મીઠાશ હોય જ છે; પણ એ મીઠાશનો અનુભવ મેળવવા માટે સુધાની જરૂર રહે છે. અહિંસા તો માતાની પેઠે સદા-સર્વદા સહુ કોઈનું કલ્યાણ કરનારી જ છે; પણ એના એ સર્વકલ્યાણકારી તત્ત્વની પિછાણ થવા માટે સામાન્ય માનવીને સંતાપ અને અશાંતિનો કટુ અનુભવ થવાની જરૂર રહે છે. આવો અનુભવ આજના માનવીને ઠીક-ઠીક થયો છે એમ કહી શકાય.
૨૫-૩૦ વર્ષ જેટલા સાવ ટૂંકા ગાળામાં થયેલાં બે મહા-વિશ્વયુદ્ધોએ હિંસાના માર્ગે થતી તારાજીનો માનવીને સચોટ ખ્યાલ અને જાતઅનુભવ પણ આપી દીધો છે; એટલું જ નહીં, અત્યારે શોધાયેલાં અને શોધાઈ રહેલાં નવાં-નવાં શસ્ત્રાસ્ત્રો પછી, કમનસીબે, જો ત્રીજું વિશ્વયુદ્ધ આવી પડે તો માનવજાતની કેવી કલ્પનાતીત અને ભયંકર ખાનાખરાબી થાય એના વિચારમાત્રથી ભલભલા લોખંડી હૈયાંના રાજદ્વારી પુરુષો પણ કમકમી ઊઠ્યા છે, તો પછી તત્ત્વજ્ઞો અને વિચારકોના સંતાપનું તો પૂછવું જ શું?
ખૂનરેજીની આવી ભયંકર ભૂમિકા એ અહિંસાનું સાચું મૂલ્ય સમજવાની ભૂમિકા બની જાય છે, માનવીને અહિંસામાં જ સંજીવનીનાં સુભગ દર્શન થાય છે. માનવીનું હૈયું યુદ્ધ અને હિંસાને બદલે શાંતિ અને અહિંસાનું રટણ કરવા લાગે છે.
આજે કેવળ હિંદુસ્તાનમાં જ નહીં, આખી દુનિયામાં અહિંસાના આવકાર અને પ્રચારની ભૂમિકા સર્જાઈ રહી છે, અને તેથી દુનિયાની કોઈ પણ અહિંસક સંસ્કૃતિને માટે આજનો યુગ એ ખરેખરું કામ કરીને પોતાનું નામ ચરિતાર્થ કરી બતાવવાનો સુવર્ણયુગ છે એમ અમે ચોક્કસ માનીએ છીએ. એટલે ભગવાન બુદ્ધની જયંતીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org