________________
૧૦૮
જિનમાર્ગનું જતન
મહાવીર-ચરિત્ર અંગે ઉપસાવવા લાયક બીજી મહત્ત્વની બાબત તે તેમણે કરેલા ધાર્મિક ક્રાંતિ સંબંધી છે. બ્રાહ્મણ-સંસ્કૃતિએ માનવજાતિના આધ્યાત્મિક એટલે કે ધાર્મિક અધિકારો ઉપર સંકુચિતતાની જે કાલિમા બિછાવી દીધી હતી અને માનવ તરીકે જન્મ ધારણ કરવા છતાં અમુકને જ ધર્મપાલનનો ઇજારો નક્કી કરી આપ્યો હતો, તેને પરિણામે લાખો માનવીઓની ગુલામો કરતાં ય અધમ દશા થઈ ગઈ હતી. એ ભયંકર પરિસ્થિતિનું પરિમાર્જન કરવામાં ભ૦ મહાવીર અને ભ૦ બુદ્ધ ભારે જહેમત ઉઠાવી હતી. એટલે ભગવાન મહાવીરે કરેલું ધર્મપ્રવર્તનનું કાર્ય એક નમૂનેદાર ધાર્મિક ક્રાંતિ તરીકે જ ઓળખાવી શકાય. મહાવીરચરિત્ર-લેખકે આ પાસાને પણ મનનપૂર્વક ઉપસાવવું જોઈએ. આ થઈ ભગવાન મહાવીરના કાર્યક્ષેત્રની વાત.
અને ત્રીજી છતાં સૌથી વિશેષ મહત્ત્વની વાત તે ભગવાન મહાવીરની સાધનાને લગતી છે. મહાવીરચરિત્રમાં આ બાબત સૌથી મોખરે રહેવી જોઈએ એમ અમે માનીએ છીએ. ભગવાન મહાવીરના જીવનનું હાર્દ તે તેમની સાધના છે. અત્યાર લગીનાં ચરિત્રોમાં આ સંબંધી ઘણું ઘણું લખાયું છે, છતાં એમાં વિશેષતઃ બાહ્ય દૃષ્ટિ રહી છે; આંતર દૃષ્ટિનું પ્રમાણ ઘણું ઓછું સચવાયું છે.
ખરી વાત તો એ છે, કે ભગવાન મહાવીરે કરેલી સાધના નિરાશ થતી માનવતા માટે આશા પ્રેરનારી મહાસંજીવની છે. આ સાધનાનું ચિત્રણ એટલી કુશળતાપૂર્વક થવું જોઈએ, જેથી કોઈ પણ જાતના ચમત્કાર કે અચરજોનો આશ્રય લીધા વગર કેવળ આત્મબળ અને આત્મશ્રદ્ધાના બળ દ્વારા નરમાંથી નારાયણ બનવાની એટલે કે માનવીમાંથી ઈશ્વર બનવાની પ્રક્રિયાનો સચોટ ખ્યાલ આવી જાય. ચરિત્રલેખક મહાવીરની સાધનાનું ચિત્રણ એવું તો અદ્દભુતતાભર્યું ન જ બનાવે, કે જેથી વાચક એ સાધના પોતાને માટે સાવ અશક્ય-અસંભવ માનીને, વીયલ્લાસ ન અનુભવાતાં માત્ર સ્તુતિમાં જ સંતોષ માની બેસે. આવાં ચરિત્રોનો ખરો ઉપયોગ તો જીવનમાં આશા, ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર કરવાનો જ હોવો જોઈએ; અને તે તો ત્યારે જ બને કે જ્યારે એના લખનારે મહાવીરની સાધનાને હૈયામાં ખૂબખૂબ ઘૂંટી લીધી હોય.
આ રીતે મહાવીરચરિત્ર ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, ધાર્મિક ક્રાંતિ અને આત્મિક સાધના એ ત્રણ દૃષ્ટિથી લખાવું જોઈએ. આ ત્રણેને ભગવાન મહાવીરના જીવનના ત્રણ તબક્કા સાથે મેળવવી હોય તો એમ કહી શકાય કે ભ. મહાવીરનું ગૃહસ્થાવસ્થાનું ૩૦ વર્ષનું જીવન તે ઐતિહાસિક ભૂમિકા. તેમનું કેવળજ્ઞાન પછીનું ધર્મપ્રવર્તનનું ૩૦ વર્ષનું જીવન તે ધાર્મિક ક્રાંતિ, અને વચલા ૧૨ વર્ષનું સાધક તરીકેનું જીવન તે તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org