________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૮
૧૨૯
આપણે ઈસાઈ અને ઇસ્લામ ધર્મના બંધુઓને પણ ધર્મના નામે પશુઓની કુરબાની નહીં કરવાનું સમજાવી શકીશું.
સામાન્ય રીતે પ્રત્યેક ધર્મગુરુનું તથા ધર્મધુરંધર વિચારકનું કર્તવ્ય છે કે જ્યાં ધર્મના નામે આ પ્રકારનો હિંસાકાંડ થતો હોય, ત્યાં તેને બંધ કરાવવામાં તેઓ પ્રયત્ન કરે. જો તેઓ સ્વયં ન કરી શકતા હોય તો જે સાધુ-સાધ્વીજી અથવા ધર્મભાવુક પુરુષો એ વિષે પ્રયત્નો કરી રહ્યા હોય તેમાં વૈચારિક-પ્રાચારિક અથવા સહાનુભૂતિપૂર્ણ સક્રિય સહકાર આપે. આપનો અમૂલ્ય અભિપ્રાય અથવા અનુરોધ મોકલી અથવા પશુ-બલિ-નિષેધ-પત્રક ઉપર હસ્તાક્ષર કરીને તથા બીજા લોકોના હસ્તાક્ષર પણ કરાવરાવીને આ કાર્યને ગતિ પ્રદાન કરશો. આ રીતે આપનો અભિપ્રાય અત્યંત આવશ્યક છે. તો નિમ્નલિખિત સરનામા ઉપર આપનો અભિપ્રાય મોકલશો:
પશુબલિ-નિષેધક-સમિતિ, C/o ઇન્ડસ્ટ્રો-ઇન્ડિયા એજન્સી, ૩૮ નેતાજી સુભાષ રોડ, કલકત્તા ૧.”
અમારી સમજ મુજબ એક ઘોર અને અખંડપણે ચાલુ જીવહિંસાના નિવારણ દ્વારા અહિંસાની સ્થાપના કરવાનો અને આપણી ધર્મભાવનાને શોભાવવાનો આ એક સપુરુષાર્થ છે; અહિંસાપ્રધાન શ્રમણ સંસ્કૃતિને માટે તો આ એક સોનેરી અવસર છે. એટલે અહિંસા અને જીવદયાના સર્વ ચાહકોએ એને ઉમળકાભેર વધાવી લેવો જોઈએ, અને પશુબલિનિષેધક પત્રકો મોકલીને તેમ જ બીજી દરેક રીતે પોતાથી બનતો તનમન-ધનનો બધો જ સહકાર મુનિશ્રી સંતબાલજીને આપવો જોઈએ.
આમાં વિશેષ હર્ષ ઉપજાવે અને આશા પ્રેરે એવી બાબત એ છે, કે પોતે હાથ ધરેલ કાર્ય માટે ઉપવાસ કે એવા કોઈ જલદ ઉપાયનો આશ્રય ન લેતાં મુનિશ્રીએ લોકમત કેળવવાનો સમજાવટનો ધીરજભર્યો માર્ગ અપનાવ્યો છે, અને એની જ તેઓ અજમાયશ કરી રહ્યા છે. અહિંસાની સ્થાપના માટે અધીરા બનીને ખોટું દબાણ કરવું કે ઉતાવળમાં પડીને ગમે તેવાં પગલાં ભરવાં એ તો અહિંસાના પાયાને જ નબળો કરવા જેવું કાર્ય છે.
કલ્યાણની નિર્મળ ભાવના અને ધીરજપૂર્વકનો સપ્રયત્ન ચાલુ હશે તો વહેલેમોડે પણ કંઈક સફળતા તો મળશે જ, અને નુકસાન તો એથી કશું થવાનું જ નથી. છેવટે એક મોટું ધર્મકર્તવ્ય બજાવ્યાનો સંતોષ અને આનંદ તો એમાંથી પ્રાપ્ત થવાનો જ છે. મુનિશ્રી સંતબાલજી આવી અખૂટ શ્રદ્ધા સાથે પોતાના પ્રયત્નો ચાલુ રાખે અને હિંસાનિવારણના આ પુણ્યયજ્ઞના સહુ સહભાગી બને એ જ અભ્યર્થના.
(તા. ૨૬-૬-૧૯૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org