________________
અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૨૦
૧૬૫ જૈનધર્મની ઝીણામાં ઝીણી અહિંસાની ભાવનાને ચરિતાર્થ કરવા માટે રેશમના વપરાશમાં આટલી સાવચેતી રાખવી એ આપણી પાયાની ફરજ છે. એ ફરજનું પાલન કર્યા વગર આપણે આવી સૂક્ષ્મ અહિંસાને જીવનમાં કેવી રીતે ઉતારી શકીશું?
(તા. ૧૨-૯-૧૯૫૯) રેશમત્યાગનો એક પ્રેરક પ્રસંગ
જૈન' પત્રના ૩૬મા અંકમાં અહિંસાની દૃષ્ટિએ રેશમના ઉપયોગ સંબંધી કેટલીક ચર્ચા-વિચારણા કરીને, ખાતરીપૂર્વકનું અહિંસક રેશમ ન મળે તો એનો વ્યક્તિગત કે ધાર્મિક ઉપયોગ બંધ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, તે કેટલું યોગ્ય અને સાચું છે તે નીચેના પ્રસંગ ઉપરથી સમજી શકાશે :
સને ૧૯૩૦ના ઓક્ટોબર માસની (દશેરાની આ વાત છે. તે વખતે શિવપુરીમાં સ્વર્ગસ્થ પૂ. આ. ભ. શ્રી વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ સંસ્થામાં જર્મન વિદુષી શ્રીમતી શાઊંટે ક્રાઉઝ (ઊર્ફે શ્રી સુભદ્રાબહેન) જૈન સાહિત્યનો અભ્યાસ કરતાં હતાં. શ્રી સુભદ્રાબહેન અને અમે કેટલાક વિદ્યાર્થીઓ તે વર્ષે ચોમાસામાં બેંગ્લોર મુકામે પૂ. આ. ભ. શ્રી વિજયેન્દ્રસૂરિજી વગેરે પાસે ગયેલા, અને ત્યાંથી શ્રી સુભદ્રાબહેનને દશેરા ઉપર મૈસૂર વગેરે સ્થળે જવાનું થયું. એમની સાથે મારે જવાનું થયું.
મૈસૂરના દશેરા બહુ વખણાતા હતા, એટલે એ જોવાનું મનમાં મોટું આકર્ષણ હતું. અમે ત્યાં વખતસર પહોંચી ગયા. મૈસૂર-
રાજ્ય તરફથી દશેરા ઉપર એક મોટું ઔદ્યોગિક પ્રદર્શન ભરવામાં આવતું હતું. એમાં રાજ્યમાં ચાલતા નાના-મોટા ઉદ્યોગોની સારી એવી માહિતી આપવામાં આવતી.
આમાં જુદા-જુદા ઉદ્યોગોની જેમ રેશમના ઉદ્યોગનો પણ એક વિભાગ હતો, અને એ વિભાગ પ્રમાણમાં બીજા વિભાગો કરતાં વધારે મોટો અને વધારે વિગતવાર માહિતી આપે એવો હતો.
અમે એ વિભાગમાં ગયાં. ત્યાં અમે જોયું, કે અંદર જીવતી મોટી ઇયળો જેવા કીડાવાળા હજારો કોશેટાઓને ખદબદતા ગરમ પાણીથી ભરેલા કાચના પારદર્શક પીપમાં નાખીને ફુલાવવામાં આવતા હતા, અને એ ફુલેલા કોશેટાઓમાંથી રેશમના સાવ ઝીણા રેસાઓ (દોરાઓ) ઉખેડી લઈને એ કીડાઓનો એક ઠેકાણે મોટો ઢગ કરવામાં આવ્યો હતો – જાણે એ કીડાઓનું કતલખાનું જ જોઈ લ્યો!
પછી તો આખા વિભાગમાં ફરીને રેશમી વસ્ત્રો તૈયાર થવા સુધીની બધી પ્રક્રિયાઓ અમે નજરે જોઈ; સાથે ત્યાં એ પણ પૂછપરછ કરી કે એક રતલ તાર મેળવવા માટે કેટલા કીડાઓનો નાશ કરવો પડતો હશે. જવાબમાં ચોક્કસ આંકડો કહેવાને બદલે હજારો કીડાઓ એ માટે જોઈએ એમ પેલા ભાઈએ ઠંડે કલેજે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org