________________
જૈન ફિરકાઓની એકતા : ૧
૬૫
બાહ્ય ક્રિયાકાંડોને અઘટિત મહત્ત્વ આપ્યું, ત્યારથી જૈનધર્મના નામે પ્રચલિત થયેલા (અને હજુ પણ નવા-નવા સ્થપાતા જતા જુદા-જુદા જૈન સંપ્રદાયો વચ્ચેની એકતાની ભાવના પેલી પાંડવ-કૌરવોની એકતાની ભાવના જેવી કેવળ પોલી કે પાંગળી જ બની રહી, અને ઘણો સમય અને ઘણી શક્તિ તો એકબીજા સંપ્રદાયનું ઘસાતું બોલવામાં કે એને ઉતારી પાડવાની પ્રવૃત્તિમાં જ બરબાદ થવા લાગ્યાં; જાણે એવું જ થઈ ગયું છે કે બીજો સંપ્રદાય હલકો સાબિત થાય તો જ આપણા સંપ્રદાયનું મહત્ત્વ સિદ્ધ થઈ શકે ! મતલબ કે આપણી ગુણવત્તામાં વધારો કરીને સાચી મહત્તાને વધારવાની વાત વીસરાઈ ગઈ.
આવી વિકત દૃષ્ટિને સાચી દષ્ટિ માની લેવાનું જ પરિણામ આવવું જોઈએ તે જ આવ્યું. બધા જૈન સંપ્રદાયો એક પિતાનાં સંતાન હોવા છતાં, પિતરાઈઓની જેમ કલહ-કંકાસમાં ફસાયા, અને ક્રિયાકાંડના નજીવા-નમાલા મતભેદે મોટી ખાઈ કે ઊંડી ખીણ જેવું રૂપ ધારણ કરીને એકબીજાને સાવ અલગ જેવા બનાવી દીધા. મધ્યકાલીન કે ત્યારપછી રચાયેલ જૈન સાહિત્યનું અવલોકન કરીએ, તો આવી સાઠમારીની સાખ પૂરે એવા અનેક ગ્રંથો આપણને મળી આવવાના.
આમ જૈન સંપ્રદાયો પરસ્પર કલહના કીચડમાં ફસાયા એનું બીજું એક અનિષ્ટ પરિણામ એ આવ્યું કે એક સંપ્રદાયમાં થયેલા મહાપુરુષો, જ્ઞાનીઓ, તપસ્વીઓ તરફ બીજા સંપ્રદાયમાં પૂજ્યબુદ્ધિ તો દૂર રહી, આવી વ્યક્તિઓ હોવા સંબંધી માહિતી પણ ન રહી ! છેક જૂના ભૂતકાળમાં મહારાજા ખારવેલ જેવા પ્રભાવક જેન રાજવી થઈ ગયા એની નોંધ કોઈ પણ જૈન ગ્રંથમાં ન સચવાઈ એ શું સૂચવે છે ? સાંપ્રદાયિક દષ્ટિને કારણે તેને સંપ્રદાયના અનુયાયીઓમાં બીજા સંપ્રદાય પ્રત્યે જે ઉપેક્ષાવૃત્તિ કેળવાતી જાય છે તેનું જ આ પરિણામ છે.
આમ જૈન સંપ્રદાયોમાં જે અનેક વિભેદક તત્ત્વો પ્રવેશી ગયાં છે, એમાં એકતાનું સાધક એકમાત્ર તત્ત્વ જો કોઈ જોવા મળતું હોય, તો તે છે બાહ્ય આક્રમણનો ભય. જ્યારે પણ બધા ય જૈન ફિરકાઓને સ્પર્શે એવો કોઈ સવાલ રાજસત્તા તરફથી કે ઇતર સંપ્રદાય તરફથી ઊભો કરવામાં આવે, ત્યારે આપણને સંપની જરૂર સમજાય છે, અને આપણામાં ક્ષણજીવી ચેતનાનો સંચાર થાય છે. પણ એ સંપની ભાવના અને એ ચેતના સ્નેહપ્રેરિત નહીં, પણ સ્વાર્થ પ્રેરિત હોવાથી, તેમ જ એ અંદરથી ઊગેલી નહીં, પણ બહારથી લાદેલ હોવાને લીધે ચિરંજીવી નથી બની શકતી. પરિણામે અમુક સવાલ હલ થતાં કે સમયના વહેવા સાથે ઘસાઈ-ભૂંસાઈને એ સવાલ વિસરાઈ જતાં ફરી પાછા આપણે અંદરઅંદરના વિખવાદમાં રાચવા માંડીએ છીએ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org