________________
૭૨
જિનમાર્ગનું જતન કરુણ અને વિચિત્ર થઈ જાય છે. એટલે જૈનોની એકતાના વિચારને મૂર્ત કરવા માટે જે-જે ઉપાયો સૂચવવામાં આવ્યા છે અને આગળ ઉપર જે-જે ઉપાયો સૂઝતા જાય, એની સમજ અને શક્તિ મુજબ, ધીરજ, ખંત અને નિષ્ઠાપૂર્વક અમલ કરી શકે એવી, બધા જૈનોનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થાની સૌથી પહેલી સ્થાપના કરવી જોઈએ. આ માટે, અમે અગાઉ સૂચવ્યું છે તેમ, “ભારત જૈન મહામંડળની પસંદગી ખુશીથી કરી શકાય. આ માટે સંસ્થા નવી સ્થપાય કે મહામંડળ જેવી મોજૂદ સંસ્થાને આ કામની જવાબદારી સોંપવામાં આવે એ વાત વિશેષ મહત્ત્વની નથી; ખરી મહત્ત્વની વાત તો આવી સંસ્થાને નિષ્ઠાવાન, કાર્યદક્ષ, દીર્ઘદૃષ્ટિસંપન્ન, તટસ્થ અને ભાવનાશીલ કાર્યકરોનું એક મજબૂત અને એકરંગી જૂથ મળી રહે એ છે. આવા કાર્યકરો મેળવીને જે કોઈ પણ સંસ્થા આ દિશામાં કામ કરવા લાગશે એને “કામ કામને શીખવે' એ ન્યાયે આગળ માર્ગ મળતો જ રહેશે. મતલબ કે હવે વધારે પડતાં વિચારોનાં જાળાંમાં અટવાઈ જવા કરતાં સૂઝતાં રચનાત્મક કામોમાં જ લાગી જવાય એવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ.
એકતા માટે ઉપર જે ઉપાયો સૂચવવામાં આવ્યા છે, તેમાં સંવત્સરી-મહાપર્વની આરાધના એક જ દિવસે કરવાનો ઉપાય વિચારની દૃષ્ટિએ જેટલો સુંદર છે, એટલો જ અમલની દૃષ્ટિએ ઘણો અઘરો છે. તેરાપંથમાં એક જ આચાર્યનું શાસન પ્રવર્તતું હોવાથી અને દિગંબર ફિરકામાં વધુ સાધુઓ કે આચાર્યો ન હોવાથી, તેમ જ ત્યાં અનંત-ચતુર્દશી એ દસલક્ષણી પર્વનો સૌથી મહત્ત્વો દિવસ મનાતો હોવાથી આ બંને ફિરકાઓ ભાદરવા સુદિ પાંચમનો સ્વીકાર કરે એમાં ખાસ મુકેલી દેખાતી નથી. પણ સ્થાનકવાસી અને શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાની સ્થિતિ આથી જુદી છે. સ્થાનકવાસીઓમાં સંવત્સરી ભાદરવા સુદિ પાંચમને દિવસે કરવામાં આવતી હોવા છતાં બે શ્રાવણ કે બે ભાદરવા આવે તો શું કરવું એ અંગે સારો એવો મતભેદ પ્રવર્તે છે. અત્રે શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકામાં તો અમુક ગચ્છો ચોથની અને અમુક ગચ્છો પાંચમની સંવત્સરી કરતા હોવાથી એમાં પાંચમનો સાર્વત્રિક સ્વીકાર થાય એ શક્ય લાગતું નથી. આ ફિરકાએ છેલ્લાં ત્રીસ વર્ષ દરમ્યાન પર્વતિથિ અંગે, સાધુમહારાજોએ જગવેલ મતભેદને કારણે જે મનભેદ, રાગ-દ્વેષ, ક્લેશ, કલહ અને કુસંપનો અનુભવ કર્યો છે, અને અત્યારે પણ આવો અનુભવ કરી રહેલ છે, તે નિરાશા ઉપજાવે એવો છે. આનો અર્થ એ નથી કે આ માટેનો પ્રયત્ન છોડી દેવો જોઈએ. પણ આ અંગે અમારે જે કહેવાનું છે તે એ કે સંવત્સરી મહાપર્વની આરાધના એક જ દિવસે થાય એ વિચારને એટલું મોટું મહત્ત્વ ન આપી દેવું કે જેથી એ કાર્યમાં મડાગાંઠ ઊભી થતાં બીજાં સહજ રીતે કે કંઈક આસાનીથી અથવા થોડીક જ પ્રારંભિક મુશ્કેલીથી થઈ શકે એવાં કામો પણ અટકી પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org