________________
૧૦૩
મહાવીર-જીવન : ૪
પૂર્વભવોમાં જ્યાંથી ભગવાન મહાવીરના જીવને બોધિબીજની પ્રાપ્તિ થાય છે તે ભવ તે નયસારનો ભવ. રાજાની વતી જંગલનાં લાકડાં કપાવવાનું હિંસક કામ કરતો પુરુષ ક્રમે ક્રમે વિકાસ કરીને તીર્થકર બની જશે, એવું તો કોણ માની શકે? પણ એ જ નયસાર લાકડાં કપાવતો-કપાવતો સાધુ-સંતોની નિઃસ્વાર્થ ભક્તિ કરીને અને માર્ગભૂલ્યા મુનિવરોને જંગલમાં સાચે માર્ગે ચડાવીને પોતે જ જીવનના સાચે માર્ગે ચડી ગયો અને ધન્ય બની ગયો.
જંગલમાં લાકડાં કપાવતા એ મેલાઘેલા, સંસ્કારહીન અને હલકા વર્ણના લેખાતા નયસારને જોઈને ભલા કોણ કહી શકે કે એ ધર્મનાયક બનવાનો છે ? પણ કયા જીવના અંતરમાં ક્યારે, કેવી સદ્ભાવના પેદા થાય ને એ પળવારમાં કેવો વિકાસ સાધી જાય એ આપણે અગાઉથી ન જાણી શકીએ. એટલે આ નયસારના પ્રસંગમાંથી આપણે બે બોધપાઠ લેવાના છે: એક આત્મવિશ્વાસનો અને બીજા કોઈ હલકા દેખાતા જીવનો પણ જરા ય તિરસ્કાર ન કરતાં, એનો પણ આદર કરવાનો.
આ જ રીતે ભગવાનનો ત્રીજો પૂર્વભવ આપણને કહી જાય છે કે અભિમાન કર્યું કે મૂઆ સમજો.
અઢારમી ત્રિપૃષ્ઠ વાસુદેવનો પૂર્વભવ આપણને સમજાવે છે કે જોજો, રખે ક્રોધાંધ બનીને કશું અકાર્ય કરી બેસતા; નહીં તો એનો આકરો વિપાક ભોગવ્યા વગર તમારો આરો નથી. ક્રોધનું કડવું ફળ ભવિષ્યમાં તો જ્યારે મળવું હોય ત્યારે મળે જ; પણ એનું કડવું ફળ તો તરત દેખાય છે: વહાલામાં વેર-વિરોધ થાય છે અને આત્માની અધોગતિ થાય છે.
આ રીતે બધા ય પૂર્વભવો કંઈક ને કંઈક બોધપાઠ તો આપી જ જાય છે, પણ અહીં આ ત્રણ પૂર્વભવોના બોધપાઠને આપણે સમજીએ અને પચાવીએ તો ય ઘણું સમજવું.
ભગવાન મહાવીરના ગૃહસ્થજીવનમાંથી પણ ઘણો બોધ મળી શકે એમ છે:
એનો પહેલો બોધપાઠ છે માતા-પિતા પ્રત્યે ભક્તિ. જો માતા-પિતા પ્રત્યે ભક્તિ ન પ્રગટે, તો જીવન પશુ-પંખી કરતાં ય હલકું બની જાય, અને ઉપકારીઓના ઉપકારનું બહુમાન કરવાને બદલે, ઊલટું, અપકાર કરવાની દાનવી વૃત્તિનો વિકાસ થાય.
કોઈથી ડરવું નથી, કોઈથી ગાંજ્યા જવું નહીં, પોતાના હરને છુપાવવું નહીં, તેમ જ સમાજમાં હલકા કે ઊંચા લેખાતા સૌની સાથે હળીમળીને આનંદ-વિનોદ કરવો એ છે ભગવાનના બાલ્યજીવનનો બોધપાઠ.
ભગવાનનો લગ્નપ્રસંગ પણ માતૃભક્તિનો બોધક બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org