________________
મહાવીર-જીવન : ૨
૯૭
પ્રત્યેની આસક્તિ હતી કે ન હતી મંત્ર-તંત્રના ચમત્કાર સર્જવાની કોઈ ઘેલછા. એ સાધના તો હતી આવી બધી પામર વૃત્તિઓથી, આવાં વળગણોથી અને આવા આવા પ્રગતિરોધક દોષોથી પોતાની જાતને મુક્ત કરવા માટેની.
જીવનમાંથી આવી હીન વૃત્તિઓનાં મૂળ જ જો નીકળી જાય તો પછી નાની કે મોટી કોઈ પણ જાતની હીન, દુષ્ટ કે દાનવ-આસુરી પ્રવૃત્તિને સ્થાન જ રહેવા ન પામે. સારી કે નઠારી પ્રવૃત્તિમાત્રનો ઉદ્ગમ સારી કે ખોટી મનોવૃત્તિ એટલે કે સારા કે ખોટા વિચારોમાંથી જ થાય છે. એટલા માટે તો સદ્ગુણગામી બધી સાધનાના કેન્દ્રમાં ચિત્તને સ્ફટિકના જેવું સ્વચ્છ અને હિમાલય જેવું સ્થિર બનાવવાના હેતુનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મતલબ કે જે ક્રિયા-પ્રક્રિયા ચિત્તને નિર્મળ અને સ્વસ્થ બનાવે એ જ સાચી સાધના, અને જેનાથી ચિત્તવૃત્તિ ચંચળ, મલિન, આસક્ત, મોહાવિષ્ટ, દૃષ્ટિરાગી, ભોગાભિમુખ કે રાગ-દ્વેષમય બને એ કુસાધના સમજવી.
શ્રમણ ભગવાન મહાવીરની સાધના સાચી દિશાની હતી. સંપૂર્ણ સમભાવની પ્રાપ્તિ અને આત્માનુભૂતિ એ એનો હેતુ હતો, અને એ હેતુને સિદ્ધ કરવાનું સચોટ અને સુવિશુદ્ધ સાધન હતું અહિંસા. અહિંસાના રથને ગતિશીલ બનાવનારાં બે પૈડાં તે સંયમ અને તપ. એટલે કે સંયમ અને તપ એ અહિંસાના સાક્ષાત્કારનાં સાધનો છે, અને અહિંસા પરિપૂર્ણ સમભાવની પ્રાપ્તિનું સાધન છે. આ રીતે એક-એકથી ચડિયાતાં સાધ્ય અને સાધનની પરંપરા ગોઠવાઈ જાય છે, અને એ ગોઠવણ મુજબ સાધનામાં આગળ વધતો સાધક વીતરાગભાવના ધ્યેયની દિશામાં આગળ અને આગળ વધતો જઈને છેવટે પોતાના જીવનને સર્વમંગલકારી બનાવે છે, અને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધે છે. એટલા માટે જ અહિંસા, સંયમ અને તપમય ધર્મને ઉત્કૃષ્ટ મંગલરૂપ લેખવામાં આવ્યો છે. (અહીં એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જૈનધર્મના તપમાં ધ્યાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, અને તે પણ તપના ઉચ્ચ પ્રકાર આત્યંતર તપમાં. પણ અત્યારની આપણી ધર્મસાધનામાં ધ્યાનનું સ્થાન બહુ જ ગૌણ – લગભગ નહીં જેવું – બની ગયું છે, એના લીધે આપણે આત્મભાવવિમુખ પ્રવૃત્તિઓમાં ઠીક-ઠીક અટવાઈ ગયા છીએ.)
આવી અહિંસા-સંયમ-તપપ્રધાન સાધનાનું નામ જ આત્મસાધના, યોગસાધના કે અધ્યાત્મસાધના. એ સાધના દ્વારા જ ચિત્તશુદ્ધિ અને આત્મશુદ્ધિનો લાભ મળી શકે. આવો સંપૂર્ણ લાભ એનું નામ જ મોક્ષ. મહાવીરસ્વામી મહાયોગી લેખાયા તે આવી ઉત્કટ અને સુવિશુદ્ધ યોગસાધનાને કારણે જ.
મહાવીરની આત્મસાધના કેવળ દેહદમન અને કષ્ટસહન ઉપર જ આધારિત ન હતી; પણ સાથેસાથે એમાં અનાદિકાળથી ચિત્ત (આત્મા) સાથે જોડાયેલી ચંચળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org