________________
જિનમાર્ગનું જતન આ સંમેલનમાં કેવી-કેવી બાબતો વિચારવી જોઈએ અથવા તો એમાં કેવા નિર્ણયો લેવાવા જોઈએ એની ચર્ચા-વિચારણાનું આ સ્થાન નથી; અમારું એ કામ પણ નથી. આમ છતાં સમાજને મૂંઝવતા કેટલાક પ્રશ્રો તરફ સહજ અંગુલી-નિર્દેશ કરવો. ઠીક લાગે છે.
સમાજના મધ્યમ, સામાન્ય કે ગરીબ વર્ગને સૌથી વધુ પજવતો પ્રશ્ન પોતાનાં દીકરા-દીકરીઓને ખૂબ મોંઘી થઈ ગયેલી કેળવણી છેક સુધી કેવી રીતે આપવી એ છે. અત્યારે સૌ કોઈને – અરે, શ્રીમંત વર્ગને પણ – એટલું તો સ્પષ્ટ રીતે સમજાઈ જ ગયું છે, કે હવે ઊછરતી પેઢીને પૂરેપૂરું શિક્ષણ આપ્યા વગર ચાલવાનું નથી. આ સ્થિતિમાં કેળવણીની સંસ્થાઓ, કેળવણી માટે આર્થિક સહાય આપતી સંસ્થાઓ અને કેળવણીનાં સાધનોને સુલભ બનાવતી સંસ્થાઓ આપણે ત્યાં વધવી જોઈએ અને જે સંસ્થાઓ મોજૂદ છે તેને વધુ પગભર બનાવવી જોઈએ.
બીજું: એક બાજુ જેમ શ્રીમંતાઈ વધી રહી છે, તેમ ગરીબી પણ પોતાનો પંજો જૈનસમાજ ઉપર ઠીક-ઠીક પ્રસારી રહી છે. એટલે એની ભીંસમાં આવેલાં ભાઈ-બહેનોનું જીવન કેમ ચિંતામુક્ત બને એનો ઉપાય વિચારવો જોઈએ. આમાં કોઈ વ્યક્તિની અમુક આર્થિક જરૂરિયાતને સીધેસીધી પૂરી કરવામાં આવે એ અમુક અંશે ઉપયોગી હોવા છતાં ગરીબીને જીતવાનો સાચો ઇલાજ નથી. એ માટે તો સૌ પોતપોતાની બુદ્ધિ, શક્તિ અને આવડત પ્રમાણે કામ કરવા પ્રેરાય એવું શ્રમપ્રધાન વાતાવરણ ઊભું કરવું જોઈએ, અને એ માટે નાના-નાના હુન્નરઉદ્યોગોની જોગવાઈઓ પણ કરવી જોઈએ. આપણી પાસે શ્રીમંતો અને કાબેલ ઉદ્યોગપતિઓ છે તે દૃષ્ટિએ વિચારતાં આ કામ મુશ્કેલ ન લાગવું જોઈએ.
એ જ રીતે બહેનો અને વિશેષે કરીને વિધવા બહેનોનો પ્રશ્ન પણ ધ્યાનમાં લેવા જેવો છે. એમની નવરાશનો ઉપયોગ થાય અને એમના હતાશ જીવનમાં આશાનો સંચાર થાય એ બહુ જરૂરી છે. ઉપરાંત, રાજકીય ક્ષેત્રમાં પણ જૈનો આગળ રહે એ બહુ જરૂરી છે.
આ તેમ જ આવી અનેક બાબતોમાંથી શક્તિ અને સમયની દૃષ્ટિએ શક્ય હોય તે બાબતો આ સંમેલનમાં વિચારાય એ ઈષ્ટ છે. પણ જે કંઈ વિચારણા કે નિર્ણયો કરવામાં આવે, તે પૂરેપૂરો અમલ કરી શકાય તેટલા પ્રમાણમાં જ કરવામાં આવે; માત્ર સંખ્યાબંધ ઠરાવો કરીને વીખરાઈ જવાનો કોઈ અર્થ નથી.
બાકી તો આવાં સંમેલનમાં સૌથી વધુ ખબરદારી તો એ વાતની રાખવી જોઈએ કે એમાં સૌ એવી રીતે બોલે અને વર્તે કે જેથી કોઈના દિલને સાંપ્રદાયિક કે વ્યક્તિગત જરાપણ ચોટ ન પહોંચે; સૌ એકતાની હૂંફ અને આનંદ અનુભવે.
(તા. ૧૪-૧૨-૧૯૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org