________________
ધર્મશક્તિ
(સર્વકલ્યાણની ભાવના સાથે પરમમંગલમય શક્તિનું તેમ જ તેની સાથે સંબંધ બાંધવાના સરળ ઉપાયનું સચોટ પ્રતિપાદન આ લેખમાં થયું છે. સર્વાત્મભાવ કેળવવાની દિશામાં આ લેખ સુંદર ભાવ પ્રગટાવે છે. સં.)
ધર્મશક્તિ
ધર્મ સામાન્ય શક્તિ નથી, પરંતુ મહાશક્તિ છે. આ મહાશક્તિ સર્વનું હિત જેમને છે એવા પરમોચ્ચ પરમેષ્ઠિઓ દ્વારા પ્રગટે છે.
વિદ્યુતશક્તિ અને ચુંબકશક્તિ (Electricity and Magnetism)થી આપણે પરિચિત છીએ. અણુશક્તિ અને પ્રાણશક્તિ (Atomic Energy and Vital Energy)ને આપણે જાણીએ છીએ. આ બધીય સ્થૂલ શક્તિઓ છે. ધર્મની શક્તિ સૂક્ષ્મ છે. અત્યંત સૂક્ષ્મ છે.
જેમ સૂર્યના કિરણો સૂર્યમાંથી પ્રગટે છે, તેમ ધર્મની મહાશક્તિ અચિંત્ય પ્રભાવ સંપન્ન પવિત્ર આત્માઓ, જેઓ પરમપદને પામેલા છે તેમનામાંથી પ્રગટે છે અને તેથી આવા પરમ સત્ત્વોનું અસ્તિત્વ પણ (mere existence) જગતને હિતકારી છે.
સૂર્યના કિરણો આ પૃથ્વીના જીવોને જીવન જીવવામાં સહાયક છે. ધર્મવાન પુરુષોનો ધર્મ પણ વિશ્વવ્યવસ્થામાં એક જબ્બર સહાયક બળ છે.
પરમેષ્ઠિ ભગવંતોમાંથી પ્રગટતી ધર્મશક્તિ જો આપણે તેમની સન્મુખ થઈએ તો અવશ્ય લાભ કરે છે અને જો આપણે વિમુખ બનીએ તો આપણી વિમુખતા વડે આપણને અવશ્ય હાનિ થાય છે.
આ ધર્મશક્તિ સામાન્ય નથી, અસામાન્ય છે. તેના લાભ અચિંત્ય છે. જેમને જીવનમાં ધર્મ પ્રગટાવ્યો છે, ધર્મશક્તિનો જેમને સ્વાનુભવ છે તેઓ જાણે છે કે ધર્મથી અધિક ચઢીયાતું બળ ત્રણ ભુવનમાં કોઈ નથી.
ધર્મ :
સર્વ દુ:ખો, દરિદ્રપણું, સંતાપ, ઉદ્વેગ, અપયશ, આળ, જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણ વગેરે ભયોનો નાશ કરનાર છે.
જેની તોલે કોઈ પણ ન આવી શકે એવો એ સહાયક છે. ત્રણ લોકનો એક અપૂર્વ મહાસ્વામી છે.
ધર્મ-ચિંતન ૦ ૮૯