________________
પોતે જેમ જેમ આજ્ઞાનો બનતો જાય છે, તેમ તેમ પોતામાં એ આત્મશક્તિ પ્રગટે છે, જેના પ્રભાવને ઠારવાની આ વિશ્વના કોઈ પદાર્થમાં તાકાત નથી હોતી.
આજ્ઞા સાથેના સગપણ પછી જીવ સાથેના સગપણનું માહાત્મ્ય સ્પષ્ટ થાય છે, એ સગપણ સાચું છે એવી શ્રદ્ધા બંધાય છે.
ગુણીના ગુણની પ્રશંસા કરવાથી પ્રશંસા કરનારમાં ગુણને લાયકનું વાતાવરણ બંધાય છે, તેમ દેવાધિદેવની આજ્ઞા સાથેના સાચા સંબંધના પ્રભાવે આજ્ઞાપાલકમાં દેવાધિદેવની ત્રિભુવનહિતકર ભાવનાને સર્વથા પાત્ર બનવાની ક્ષમતા પ્રગટે છે.
આજ્ઞા હોય ભલે શબ્દરૂપી, પરંતુ તેની પાછળ ભાવ ત્રિભુવનપતિની સર્વોચ્ચ અવસ્થાને સર્વથા પાત્ર બની ચૂકેલા પરમાત્માનો છે. એ આપણે કદીયે ન ભૂલવું જોઈએ.
એટલે આજ્ઞા સાથેના વિધિપૂર્વકના સંબંધ પછી આપણને જરૂર એ ભાવ સ્પર્શશે. જે ભાવની રક્ષાદ્વારા જીવ, શિવપદને પાત્ર બને છે.
જીવમાત્રના કલ્યાણનો મંગલ ધ્વનિ જેમાં દિનરાત ગૂંજી રહ્યો છે, તે આજ્ઞાને ત્રિવિધ વરવાનો પવિત્ર ભાવ સહુને સ્પર્શે !
આનંદાનુભવ
જેમ દેહાદિમાં હું પણું ઠહ્યું છે, તેમ આત્મામાં ઠસાવવાનું છે. પ્રથમ ઉપાસના દેહભાવે, પછી આત્મભાવે અને છેલ્લે અભેદભાવે કરવાની છે.
આપણું બધા સારું જ બોલે એવી ઇચ્છા કે ભાવના ન સેવવી. આપણું વાસ્તવિક સ્વરૂપ કે જે મન, વાણીથી પર છે. તેના તો કોઈ વખાણ કરતું નથી. પણ શરીર અને મનના વખાણ કરે છે, તે તો જીવને નીચે લઈ જાય છે.
મન અને શરીરના ધર્મોને આત્મા તરીકે ન અનુભવાય તો આનંદ ટક્યો રહે. શરીર, મન વગેરેમાં “હું” ઘૂસ્યો એટલે બધી ઉપાધિઓ ચોમેરથી હેરાન કરતી આવે છે.
શરીર, મન વગેરેનો જે સાક્ષી ભાવ છે, એને અનુભવવામાં ખરો આનંદ છે.
ધર્મ-ચિંતન – ૧૭૫