________________
સ્વાર્થને સંકેલવાની કળા
સ્વ'નો જ અર્થ (સ્વાર્થ) વધારવાનો પ્રયત્ન, સર્વ જીવહિતવિષયક અર્થને ઝાંખો પાડી દે છે. સ્વાર્થ અધિક વિસ્તારનો કબજો લે છે, એટલે પરહિતચિંતાના ભાવ (પરમાર્થ)ને બેસવાની મુદ્દલ જગ્યા રહેતી નથી.
સ્વાર્થની આજ્ઞામાં રહેવાથી ભવની આજ્ઞામાં રહેવું પડે, સંસારચક્રના તીક્ષ્ણ દાંતાઓ વચ્ચે ફસાવું પડે. પરાર્થવ્યસનીપણું. પ્રભુજીની ભવજલતારિણી આજ્ઞાનો શુભ યોગ કરાવે. સંસારચક્રને ભેદવાની અપૂર્વ ક્ષમતા જગવે.
જાજમ યા પથારીની જેમ સ્વાર્થને સંકેલવાની કળા પણ શીખવા જેવી છે..
તે કળાને હૃદયગત કરવા માટે શ્રીનવકારને હૃદયમાં પધરાવવો પડે. શ્રીજિનેશ્વરભગવાનની આજ્ઞાનો મર્મ હોંશે હોંશે ભણવો પડે.
વાતવાતમાં દેશ-કાળની પ્રતિકૂળતાને આગળ કરવા કરતાં તે પ્રતિકૂળતાને આંબવાની જેનામાં અમાપ શક્તિ છે તે મહામંત્ર શ્રીનવકારની ભક્તિને ભાવ આપવો તે વધુ ઈષ્ટ છે..
શ્રીનવકારનું મૂલ્ય સમજાય છે એટલે સ્વ અને પરનું યથાર્થ મૂલ્ય પણ સમજાવા માંડે છે. - સ્વામીબંધુ સાથેના ઊંચા સગપણને પણ વટાવી ખાય એવા વકરેલા સ્વાર્થને શ્રીવીતરાગભગવાનનો દાસ એક ક્ષણવાર પણ નભાવી લે, તે બીના ખરેખર શોચનીય ગણાય.
પોતાના જ સ્વાર્થને અપાતો એકદેશીય ભાવ કેવા કેવા અનર્થો ઉપજાવે છે તે સર્વવિદિત હોવા છતાં, સ્વાર્થત્યાગની દિશામાં એક ડગલું ભરતાં પણ વિચાર કરવો પડે તે, ભવની સગાઈને આપણે કેટલું બધું મહત્ત્વ આપીએ છીએ તેની સ્પષ્ટ નિશાની છે.
“પરમાર્થમાં વિચાર અને વિલંબ અને સ્વાર્થમાં સદૈવ તત્પરતા,' એવો અવળો ક્રમ (અવિધિ) સવળો ન થાય એટલે કે “સ્વાર્થમાં વિચાર અને વિલંબ અને પરમાર્થમાં સદૈવ તત્પરતા સ્વરૂપ' ન બને ત્યાં સુધી, બહુ ચાલવા છતાં, માર્ગ ખોટો હોવાથી પ્રવાસી ઇષ્ટ સ્થળે પહોંચી શકતો નથી તેમ આપણે પણ ભવમાર્ગ કાપીને મોક્ષની વધુ નજીકના પરિણામવાળા થવાને બદલે, મોક્ષથી વધુ દૂર પડી જઈએ.
શ્રીજિનેશ્વરભગવાનના વચન પ્રત્યેના આપણા ભાવ અનુસાર મોક્ષતત્ત્વ પ્રત્યેનો આપણો ભાવ ઘડાય છે. મોક્ષતત્ત્વ પ્રત્યેનો આપણો ભાવ, જીવતત્ત્વને અપાતા ભાવ મુજબ પુષ્ટ થાય છે. જીવતત્ત્વ પ્રત્યેનો ભાવ, દર્શનશુદ્ધિના પ્રમાણમાં પ્રગટે છે. દર્શનશુદ્ધિ, દેવાધિદેવના દર્શનને તેમ જ નમસ્કાર મહામંત્રને અપાતા ભાવ મુજબ પાકે છે. .
૨૧૬ • ધર્મ-ચિંતન