________________
શ્રીનમસ્કાર અવધૂત-“માસ્તર” પરિચયકાર શ્રી. ચંદુલાલ એસ. શાહ
(શ્રીનમસ્કાર મહામંત્ર પુનિતપાવક દિવ્યાગ્નિ છે. કર્મમળને પ્રજાળીને ભવ્યત્વને પકવે છે, મિથ્યાત્વની માટીમાંથી સમ્યક્તના ઘટનું સર્જન કરે છે.
અસતમાંથી સતમાં અને તમસમાંથી જ્યોતમાં નિજપ્રભાવે દોરીને લઈ જનાર આ મહામંત્રનું રટણ જેમના રોમેરોમમાં વ્યાપ્ત છે, એવા એક વિદ્યમાન મહાનુભાવની આ નાનકડી જીવંત કથાનું આલેખન કરતાં પરમ આનંદ અનુભવાય છે, નમસ્કારભાવથી મસ્તક ઢળી પડે છે. સં.)
“માસ્તર,' એવા સાડા ત્રણ અક્ષરના નામથી તેઓ ઓળખાય છે. એમને ઓળખનારા બહુ થોડા છે. એ થોડામાંનો મોટો ભાગ તો એમને માટે “ગાંડો’ એવું વિશેષણ વાપરે છે. કોઈ કોઈ એમને “ધૂની' પણ માને છે. એમનાં સ્વજનોનું માનવું છે, કે “આ માણસ ખરેખર ગાંડો છે !' રૂપિયા-પૈસા અને મોહ-માયાની ભ્રામક ઇંદ્રજાળમાં અટવાઈ પડેલાં ચક્ષુઓ દ્વારા બીજું દેખાય પણ શું ?
“મને બધા “ગાંડો’ ગણે છે, તે મારો પુણ્યોદય છે, શ્રીઅરિહંત પરમાત્માનો મહાન અનુગ્રહ છે, શ્રીનવકાર મંત્રનો કલ્પનાતીત પ્રભાવ છે.' આ શબ્દો તેમના પોતાના છે. એમના વદનમંડલ પર વિલક્ષણ સ્મિત સદા ફરતું જ હોય છે.
કોઈની સાથે નિષ્કારણ સંવાદમાં ઉતરતા નથી. વાતચીત કરવાની એમની રીત પણ વિલક્ષણ છે. એકવાર એમને પૂછ્યું : “આપની ઉંમર કેટલી ?
એકસઠ પજૂસણ પૂરાં થઈ ગયાં !” આ પાંચ શબ્દો સંભળાવીને, હસતા હસતા તેઓ ચાલ્યા ગયા. પાછા બોલાવ્યા, પણ ઊભા જ ના રહ્યા.
પગમાં બૂટ-ચંપલ જિંદગીમાં પહેર્યા નથી. બે ધોતિયાં, બે બંડી, બે પહેરણ અને એક ટોપી. એમનાં વસ્ત્રોમાં આઠમું નંગ કદી જોયું નથી. અને તે પણ પોતાના હાથે જ ધોવાનાં, ધોબીની અસ્ત્રીથી પોતાનાં વસ્ત્રોને એમણે કદી દાઝવાં દીધાં નથી. ઘરેણામાં ચાલીસ વર્ષ જૂનું એક ખિસ્સાઘડિયાળ છે. એમની માફક એમનું ઘડિયાળ પણ કદી માંદું પડ્યું નથી !
માસ્તરગીરી માટે આવશ્યક “વર્નાક્યુલર ફાઈનલ', એ તેમનો અભ્યાસ. પ્રાથમિક શાળાનાં બાળકોને ભણાવવાં, એ તેમનો વ્યવસાય.
સુધરાઈની શાળા હોય, કે ખાનગી ઘરશિક્ષણ (ટ્યુશન) હોય, એમના શિક્ષણ. કાર્યનો પ્રારંભ હમેશાં પરમાત્માની સ્તુતિ કરાવવાથી જ થાય.
૪૦૮ - ધર્મ-ચિંતન