________________
વિવેક અને વફાદારી (માનવજીવનમાં વિવેકનું મહત્ત્વ કેટલું છે, તે ચિંતનાત્મક આ લેખ સારી રીતે સ્પષ્ટ કરે છે. સં.)
ઝાકળના બિંદુનું મૂલ્ય તો કાંઈ નથી પણ એ જ્યારે ગુલાબની પાંદડી પર પડ્યું હોય છે, ત્યારે તો એ સાચા મોતીની રમ્યતા સર્જતું હોય છે, તેમ વિવેક કરવા જતાં એનું મૂલ્ય કાંઈ નથી બેસતું પણ વિવેક કરનારનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. .
આવનાર માટે બધી સગવડતા સાચવી હોય, દરેક તૈયારી કરી હોય, કોઈ પણવસ્તુની જરાય ખામી ન હોય, પણ એમાં જરાક જો વિવેકની ખામી રહી ગઈ હોય તો બધી તૈયારીઓ અને સાચવેલી સગવડો વ્યર્થ જાય છે, એમ કોણ નથી જાણતું ? છતાં આપણે જોઈશું તો જાણવા મળશે કે જીવનપંથના ઘણા ખરા મુસાફરો માત્ર એક વિવેકની ઉણપને લઈને જીવનમાં નિરાશા અનુભવતા હોય છે.
ધાર્મિક ઉત્સવ કે આધ્યાત્મિક ચિંતન શું? સામાજિક પ્રવૃત્તિ શું કે રાષ્ટ્રીય ક્રાન્તિ શું? આ બધી પ્રવૃત્તિઓ વિવેક માંગે છે. જેને વિવેકનો ચીપીઓ મળી જાય છે, તે ગમે તેવી વસ્તુને પણ એ ચીપીઆથી ઉપાડી સમયને અનુરૂપ બનાવી શકે છે. પણ જેને એ ચીપીઓ મળ્યો નથી એ ગમે તેટલી પ્રવૃત્તિ કરે પણ એ પરિમલ વિનાનાં પંકજ જેવી જ ગણાય. વસ્તુ દેખાય પણ એમાં સત્ત્વ કાંઈ ન હોય. . '
એટલે જ વિવેકી માણસો દુનિયામાં ધમાલ ભરેલા શબ્દો કરતાં અર્થભરેલા કાર્ય તરફ વધારે લક્ષ્ય આપતા હોય છે, એ કાર્ય કરતા જાય તેમ એમાંથી સુવાસ પ્રગટતી જાય. અને કાર્યની સુવાસ જયારે બોલે છે ત્યારે એની આગળ માણસની વાચા સાવ પામર લાગે છે.
અવિવેકી માણસો તો બોલવાને બહુ મહત્ત્વ આપતા હોય છે. એ તો એમ જ માનતા હોય છે કે બોલવાથી જ આ જગતનો રથ અવિરતપણે ચાલે છે. પણ અર્થહીન અને વિવેકહીને વાચાથી અનર્થની હારમાળા ઊભી થાય છે, એ એમના ધ્યાનમાં નથી આવતું.
પણ આજ જ્યારે વિવેકની ચર્ચા ઉપડી છે, ત્યારે મુંબઈનો એક પ્રસંગ મને યાદ આવે છે.
નવેક વાગ્યાનો સમય હતો. ગુમાસ્તાધારા પ્રમાણે સમયસર દુકાન બંધ કરી, હરિલાલને માથે ચોપડા ઉપડાવી, રમણલાલ ઘેર જઈ રહ્યા હતા. એમનું ઘર ત્રીજા ભોઈવાડામાં હતું. એટલે ગલીના વળાંક પાસે જ રસિકલાલનો ભેટો થયો. રસિકલાલ રમણલાલનો હરીફ હતો. એ જરા ગુંડો પણ હતો. મનમાં ઘણા વખતની દાઝ હતી.
૪૩૦૦ ધર્મ-ચિંતન