________________
અંતઃકરણમાં તીવ્રતા” જાગે, ત્યારે જ એ બને.
તીવ્રતા ત્રિલક્ષી છે. એક લક્ષ્ય કર્મબદ્ધ આત્મા ઉપર. બીજું લક્ષ્ય ક્ષમાયાચનાપૂર્ણ નમસ્કારભાવ ઉપર. ત્રીજું લક્ષ્ય કર્મમુક્ત અરિહંત પરમાત્મા ઉપર. - ચિત્તની એકાગ્રતાના આ ત્રિવેણી-સંગમને પ્રગટાવવાનું મહાસામર્થ્ય શ્રીનમસ્કાર મહામંત્રમાં છે, છે, છે.
પંચપરમેષ્ઠિ વિષે અનભિજ્ઞ એવા પેલા પવિત્ર પાપીને, ક્ષમાયાચનાયુક્ત નમસ્કારભાવ, જો એક મહાન ધર્મગુરુ બનાવી શકે, તો પછી, પંચપરમેષ્ઠિના જ્ઞાનથી યુક્ત થયેલો નમસ્કારભાવ આત્માને પરમાત્મા બનાવે, તેમાં તો કોઈ પણ સંશયને સ્થાન નથી જ નથી.
તેમાંયે, શ્રીનમસ્કાર મહામંત્રનું શરણ જેને પ્રાપ્ત થયું છે, જેના રોમરોમમાં પંચપરમેષ્ઠિ નમસ્કારનો નાદ પથરાયો છે અને જેની પ્રજ્ઞાનું નમસ્કારભાવની શ્રદ્ધામાં ક્રિયાશીલ એકીકરણ થયું છે, એવા ભવ્ય જીવોનું મુક્તિકરણ તો કેવળ કાળના પરિપાકનો જ સવાલ છે–(A matter of time only).
શ્રીપંચપરમેષ્ઠિને મારાં વંદન હો. શ્રીનમસ્કાર મહામંત્રને મારાં વંદન હો. શ્રીનમસ્કાર મહામંત્રના સાધકોને મારાં વંદન હો. લાખ લાખ, ક્રોડ ક્રોડ.
નમસ્કારભાવમાં રમણતા વધારવા માટે મન પ્રભુજીને સોંપી દેવું પડે અથવા તો એ મનમાં દિન-રાત એવો ભાવ પ્રકાશવો જોઈએ કે જેમાં સકળસત્ત્વહિતનું પરમ પવિત્ર સંગીત ગૂંજતું હોય.
ધર્મ-ચિંતન ૪૨૩