________________
મુક્તિપદની તીવ્ર જિજ્ઞાસાવાળા મનુષ્યોને સુખ-દુઃખાદિ ઉત્પન્ન કરનારું બાહ્ય સામગ્રીનું સાધન ખાસ કરીને અસર કરી શકતું નથી. વેદનીય કર્મના ઉદયકાળે ઉન્નત આત્માઓ ક્ષુદ્ર સુખ-દુ:ખના અનુભવો માટે બેદરકાર રહે છે. જ્યારે નિર્બળ આત્માઓ અલ્પ સુખદુ:ખને પણ તીવ્રપણે વેદે છે. ભાવનાના પ્રદેશમાં સંસ્કારો અનુસાર આ રીતે બન્નેનું તારતમ્ય હોય છે.
બળવાન આત્માઓને આ ભાવનાબળ હમેશાં તેઓ દૃષ્ટિ સમક્ષ રાખતા હોવાથી કલેશમય વાતાવરણ કદી પણ અસર કરી શકતું નથી, પરંતુ જ્યારે આ ભાવનાની દિવ્યતા ભૂલી જવામાં આવે છે ત્યારે નજીવા કલેશમાં શક્તિનો વ્યય કરવામાં આવે છે અને પોતાના તેમ જ પરના આત્મામાં જે ઉન્નત ભાવના પ્રકટ થવી જોઈએ તે નહિ થતાં પરસ્પર ક્લેશનું નિમિત્તકારણ બને છે, કેમ કે ‘અહં મમ'નો મંત્ર ત્યાં ભૂલી જવામાં આવતો નથી.
જૈનદર્શનનું સમગ્ર રહસ્ય પ્રાણીસેવા–મૈત્રીભાવના અર્થે જે આત્માઓનું સતત પ્રયાણ હોય છે—તેમને પ્રાપ્ત થયેલું હોય છે, તેઓ પોતાની આસપાસ એવું સુંદર વાતાવરણ ઉત્પન્ન કરે છે કે જેથી આખું વિશ્વ તેની સ્તુતિ કરવા લાગી પડે છે. મૈત્રીભાવનાના પ્રયોગ (action)માં જ ઉગ્ર ચમત્કાર છે. વિશ્વ-કલ્યાણની પ્રબળ ભાવના અને એ અર્થે જ જેમનું જીવન ગતિમાન થઈ રહેલું છે, તેઓ મનુષ્યજીવનમાં મહાન્ વ્યક્તિ તરીકે પૂજાય છે.'
સમતા ભાવનું બીજ
સમતા સામાયિક વડે એક બાજુ રાગદ્વેષાદિ અને હર્ષશોકાદિ દ્વન્દ્વોનું નિરાસન થાય છે અને બીજી બાજુ સ્વ-પર ભેદબુદ્ધિ અને ‘હું’ ‘તું’નો ભેદભાવ ચાલ્યો જાય છે.
ભેદમાં અભેદ લાવનાર તિર્યક્ સામાન્યનો વિચાર છે અને હર્ષ શોકાદિ દ્વન્દ્વોમાં સમત્વને ટકાવનાર ઉર્ધ્વતા સામાન્યનું જ્ઞાન છે.
દ્રવ્ય રૂપેણ આત્મા ધ્રુવ છે. ગુણરૂપેણ આતમા એક છે. પર્યાયરૂપેણ આત્મા તુલ્ય છે.
એ રીતે ધ્રુવતા, એકતા અને તુલ્યતાનો બોધ સમતાભાવનું બીજ છે.
ધર્મ-ચિંતન ૦ ૩૫૫