________________
તો, કુમારો ! શરીર-વસ્ત્રોને ઉજળા કરવાનું કાર્ય કરવું કે આત્માને ? આત્માને નિર્મળ કર્યા પછી બધાં જ દુઃખોનો અંત આવી જાય છે. બધાં સંતાપો ટળી જાય છે.
આત્માને સ્ફટિક જેવો ઉજ્વળ બનાવવા વચગાળાનું આ દેહમાલિન્ય અનિવાર્ય છે. સહાયક છે.
મેલાં વસ્ત્રને ધોવા લેતાં, પાણીમાં ઝબોળતાં તે વસ્ત્ર વધારે મલિન દેખાય છે, પરંતુ એ મલિનતા આપણને ખટકતી નથી. આપણે સમજીયે છીએ કે વસ્ત્રને સાફ કરવું હોય તો એ માલિન્ય અનુભવવું અનિવાર્ય છે. - કુમારો ! ગંગાજળના પ્રત્યે બિંદુમાં અસંખ્ય જીવો છે. દેહ અને વસ્ત્રની ક્ષણજીવી ઉજ્જવળતા ખાતર એ નિરપરાધ જીવોને મૃત્યુની સજા શા માટે આપવી ?
મુનિવરની હિતકારીવાણીએ અમારા ચાર ભાઈઓના હૃદય ધર્મભાવનાથી ભીંજાયા, વૈરાગ્યના અંકુરા ફુટ્યા, અમે ચારે ભાઈઓએ તે મહામુનિના તારકચરણોમાં જીવન સોંપ્યું. - દેવગુરુની અનંતકૃપાના બળે જ્ઞાન-વિજ્ઞાનમાં, તપ-ત્યાગમાં, ધ્યાન-ધારણામાં, સમતા-સમાધિમાં અમારો ઠીક ઠીક વિકાસ થયો.
ચારિત્રધર્મનું નિરતિચાર પાલન કરવા અમે મથતાં, પંચપરમેષ્ઠિઓ પ્રત્યે સમર્પણભાવે નમસ્કાર મહામંત્રના જાપમાં લીન બની જતાં....
પંડિત મરણ પામી અમે ચારે દેવલોકમાં ગયા. અને ત્યાંથી ચ્યવી આ જન્મમાં રાજકુળમાં અવતર્યા. ત્યારપછીની હકીકત આપ જાણો જ છો.
આ પ્રમાણે જયેષ્ઠમુનિએ પૂર્વભવનો વૃત્તાંત બ્રહ્મસેનની આગળ સંભળાવ્યો.
બ્રહ્મસેનનું ચિત્ત ચમકી ઉઠ્યું.
ચારે ભવ્યાત્માઓના અપૂર્વ પરાક્રમને તેણે હૃદયથી આવકાર્યું. ત્યારે મહાત્માઓના જીવન-આરિસામાં પોતાનું જીવન-સ્વરૂપ નિહાળ્યું...પોતાના સત્ત્વવિહોણા સુસ્ત જીવનપર તેને સુગ ચઢી. ' અહો ! શ્રીનમસ્કાર મહામંત્રની એક જ રણભેરીથી આ ચાર સુભટો કર્મ શત્રુ સામે જંગ ખેલવા ઊભા થઈ ગયા જયારે હું વર્ષોથી દેવગુરુનો ઉપાસક, અવધિજ્ઞાની ક્ષેમંકર મિત્રનો ધર્મમિત્ર.. હજી સંસારની માયાજાળમાં મહાલું છું...
બ્રહ્મસેનનો વૈરાગ્ય સતેજ થયો, મોહથી મનને મુક્ત બનાવ્યું, ત્યારે મુનિઓ ' સાથે એણે પણ ચારિત્રજીવનના પુનિતપંથે મંગળ પ્રયાણ કર્યું.
ધર્મ-ચિંતન ૩૯૧