________________
ધર્મના રંગે રંગાયેલા બ્રહ્મસેનનાં સ્વજનો વિરાગીઓને વિદાય આપી પાછા વળ્યા.
પલ્લીવાસી આબાલવૃદ્ધોને જાણે એક અતિ નિકટના સ્નેહીનો ચિરવિરહ પડતો લાગ્યો.
સૌ વળાવી આવ્યા અને સાથે સાથે પોતાના જીવનમાં પણ એ પંથે પ્રયાણ કરવાના મનોરથો લેતા આવ્યા.
તે મનોરથોને સફળ બનાવવા નમસ્કાર મહામંત્રના પ્રબળ પ્રવાહણને પણ તેઓએ અપનાવ્યું.
પલ્લીની કુટીરે કુટીરે “નમો અરિહંતા, નમો સિદ્ધા....."ના મંગલધ્વનિ ગાજી ઉઠ્યા.
પાંચ પુણ્યાત્માઓ એ સંસારની શેતરંજ સમેટી લીધી...સિદ્ધશિલા પર શોભાયમાન થયા...સાથે સાથે જનહૃદયમાં પણ પંચપરમેષ્ઠિના પ્રેમને પૂરતા ગયા.
000
મનનું ધન જે મકાનમાં બહુ જ ધન હોય તે મકાનની તમે કેટલી તકેદારી રાખો? કેવી ચોકી મૂકો?
મનના મકાનમાં ધનના ઢેર પડેલા છે, એ તમે જાણો છો? એક એક સદ્વિચાર એક એક રત્ન છે. આપણે મનના મકાનની કેટલી તકેદારી રાખીએ છીએ? કોઈ ચોકી મૂકી છે?
આપણે ખરેખર ભ્રમણામાં અટવાયા છીએ, તનના મકાનની જ આપણે તકેદારી અને ચોકી રાખીએ છીએ ! કે જે તનમાં હાડકાં, માંસ અને લોહી સિવાય કંઈ નથી...જે ધૂળ સમાન છે. જે આપણને વાસ્તવિક સુખશાન્તિ આપવા સમર્થ નથી.
મનના મકાનની રક્ષા કરો.
મનનું ધન કોઈ ચોરી ન જાય, સદ્વિચાર ચોરાઈ ન જાય તેની ખરેખરી તકેદારી રાખો, ચોકીદાર બરોબર ગોઠવી દો. સાત્ત્વિક ભાવોને પોષનાર ગ્રંથો, આંતરદૃષ્ટિને ઉઘાડી આપનારા સાધુ પુરુષો, કૃપાસાગર તારક પરમાત્મા..આ બધા ચોકીદારો છે. મનના દ્વારે આમને સ્થાન આપો, તમારું ધન સુરક્ષિત રહેશે. અને એ ધન દ્વારા જ તમે અક્ષય અને અનંત સુખ મેળવશો.
- પ.પૂ.પં. શ્રીધુરંધરવિજયજી ગણિવર..
૩૨. ધર્મ-ચિંતન