________________
ચૌદપૂર્વનો સાર પ.પૂ.મુનિરાજ શ્રીમિત્રાનંદવિજયજી મહારાજ
શ્રીનવકાર મહામંત્ર ચૌદપૂર્વનો સાર છે એનો અર્થ એ કે નવકારનો વિસ્તાર તે ચૌદપૂર્વ. કોઈ પણ વિષયના સંક્ષેપ કે વિસ્તારની ખૂબી ઉપર જ તે વિષયનું મહત્ત્વ અંકાય છે.
ચૌદપૂર્વનું અગાધજ્ઞાન માત્ર નવપદોમાં (નવકારના) કેમ સમાવી શકાય ? એ શંકાનું સમાધાન નીચેની કથામાં મળી રહેશે.
ચાર ગોઠીયા મિત્રો હતા. તેઓ ભણવા માટે કાશી ગયા. ત્યાં બાર વર્ષ રહીને દરેકે એક એક શાસ્ત્રમાં નિપુણતા-માસ્ટરી મેળવી. એકે આયુર્વેદમાં, બીજાએ, ધર્મશાસ્ત્રમાં, ત્રીજાએ નીતિશાસ્ત્રમાં અને ચોથાએ કામશાસ્ત્રમાં. -
ચારે મિત્રોએ વિચાર કર્યો કે આપણે આપણું જ્ઞાન જગત આગળ મૂકીએ અને ધન મેળવીએ. એ માટે ચારેએ નિર્ણય કર્યો કે દરેકે પોતપોતાના વિષય પર લાખ લાખ શ્લોક પ્રમાણ ગ્રંથ લખવો.
નિર્ણય મુજબ રાત-દિવસ જહેમત ઉઠાવી તેઓએ ગ્રંથો તૈયાર કર્યા. પરંતુ જ્યાં સુધી એની કદર કરનાર ન મળે ત્યાં સુધી એ ગ્રંથોની કિંમત શું ?
તેઓની નજર જિતશત્રુ રાજા તરફ ગઈ. તે રાજા વિદ્યાપ્રિય હતો. તેની પાસે આપણી કદર થશે એમ વિચારી ચારે પંડિતો ગ્રંથોના થોકડા ઉપાડી જિતશત્રુ રાજાના દરબારે પહોંચ્યા. રાજાએ આગમનનું કારણ પૂછ્યું. પંડિતોએ સઘળી હકીકત જણાવીને કહ્યું કે, આપ વિદ્યાવ્યાસંગી છો. માટે અમારા ગ્રંથો સાંભળી આપ જરૂર અમારી કદર, કરશો.
આ સાંભળી વિદ્વાન રાજા સમજી ગયો કે એક એક વિષય ઉપર લાખ લાખ શ્લોકો રચ્યા છે એટલે વિષયને વિસ્તારવાની શક્તિ તો આ પંડિતોમાં અજબ છે, પરંતુ એનો સંક્ષેપ કરવાની શક્તિ-કળા જોઉં તો ખબર પડે કે પંડિતોને પોતપોતાના વિષયનું જ્ઞાન કેટલું સંગીન છે.
રાજાએ પંડિતોને કહ્યું–“રાજય કારભારના અનેક કામોમાં હું ચાર લાખ શ્લોક ક્યારે સાંભળું ? માટે કંઈક સંક્ષેપ કરો. તો વળી હું વિચાર કરું.”
પંડિતો : અમે એનું અધું કરી નાખીએ. રાજા : ‘તોય બે લાખ શ્લોક સાંભળવાનો સમય મને ક્યાંથી ?' પંડિતો : “સારું. દશ દશ હજાર કરીએ.”
૪૦૦૦ ધર્મ-ચિંતન