________________
આજથી હું ભાઈ વિનાનો જ છું એમ સમજજો. ત્યારબાદ તે દુરાચારીને હડકાયા કુતરાની જેમ ઘરમાં પણ પ્રવેશવા દેતો નહિ.
કેટલાક દિવસો બાદ, જુગારમાં આબાદ સપડાયેલો જિનદાસ, ઘણું ધન ખોઈ બેઠો, લેણદારોને આપવા કાણી કોડી પણ પાસે રહી નથી, ભાઈ તો પાઈ પણ આપે તેમ નથી. સંબંધીઓ પણ કોઈ સામું જુએ તેમ નથી, આ દશામાં જુગારીઆઓ સાથે તેને ભારે ઝગડો થયો, કોઈકે તીક્ષ્ણ હથિયારથી તેના ઉપર હુમલો કર્યો અને પેટમાં ભયંકર ઘા કર્યો.
લથડીયા ખાતો ખાતો જિનદાસ, ઘાયલ થઈને જમીન ઉપર પડ્યો, ક્રોધથી લાલચોળ આંખો વડે ઘા કરનાર સામું ટગર-ટગર જોવા લાગ્યો. બોર બોર જેવડા આંસુ સરી પડવા લાગ્યા અને વેદનાની કારમી ચીસો નાંખવા લાગ્યો.
વાયુવેગે આ વાત નગરમાં ફેલાઈ ગઈ. કેટલાક સંબંધીઓએ ઋષભદત્તને આ. સમાચાર આપ્યા. આઘાતજનક આ સમાચાર સાંભળી કરુણાથી પીગળતા હૃદયવાળો ઋષભદત્ત તરત જ તે સ્થળે આવ્યો. લોહી દદડતા દેહવાળા, બેફામ પડેલા પોતાના નાના બંધુને જોતાં જ, ઋષભદત્ત આંચકો ખાઈને, તમ્મર આવવાથી ત્યાં જ બેસી પડ્યો.
જરા સ્વસ્થ થઈને ભાઈનું માથું પોતાના ખોળામાં મૂકી, માથે હાથ ફેરવતાં, ઋષભદત્ત કહેવા લાગ્યો, ભાઈ ! તું જરા પણ ગભરાઈશ નહિ. હું સારામાં સારા ઘા રૂઝવનારા ઉપચારકો ને બોલાવી તને સાવ સાજો બનાવી દઈશ. તું જરાય મુંઝાઈશ નહિ, હું તને બધી રીતે સારો કરી દઈશ.
અમૃત જેવા આ વચનો સાંભળી બેફામ પડેલા જિનદાસે જરા આંખ ખોલી જોયું તો પોતાના મોટાભાઈને પોતાની શુશ્રુષા કરતા જોયા. શરમ અને આભારના ભારથી તેની આંખો ફરીથી મીંચાઈ ગઈ.
ઘણું મોટું ભાગ્ય હોય તેને જ આવા શ્રેષ્ઠ અને ગુણીયલ ભાઈ મળે છે. કહ્યું
છે કે
तज्जलं यत्तृषां छिन्द्यात्, तदनन्नं यक्षुधापहम् । वन्धुर्यो धीरयत्यार्तं, सुपुत्रो यत्र निर्वृतिः ॥
વાસ્તવિક જળ તે કહેવાય, જે તૃષાને છેદે—તરસ છીપાવે. અન્ન તે જ કહેવાય જે ભૂખ શમાવે. એ જ રીતે સાચો ભાઈ તે જ ગણી શકાય, જે આફતમાં આવી પડેલા—પીડાયેલા પોતાના બંધુને ધીરજ આપે અને સાચો પુત્ર તે જ છે કે જે પિતાનો સાંસારિક સઘળો ભાર ઉતારી લઈ, આધ્યાત્મિક શાન્તિ અર્થે નિવૃત્તિ સમર્પે. .
૪૦૪૦ ધર્મ-ચિંતન