________________
ભાવઆરોગ્ય
એકવારના આખા શ્રીનવકારના જાપ સાથે લોકમાં રહેલા બધા સર્વવિરતિધર ભગવંતોને પ્રણામ થાય છે.
સર્વસાવઘયોગના પરિત્યાગરૂપ સર્વવિરતિપણાના પરિણામ માટે શ્રીનવકાર અનિવાર્ય છે. કારણ કે શ્રીનવકારમાં બિરાજમાન શ્રીપચંપરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્વક ત્રિવિધ પ્રણામ કરવાથી સર્વવિરતિપણાના પરિણામ અધિક સુગમ બને છે.
પોતાના સેનાપતિને નમનારા સૈનિકમાં શૂરવીરપણું બરાબર પ્રગટે છે, તેમ સર્વવિરતિધર ભગવંતોને નમસ્કાર કરવાથી નમસ્કાર કરનારા પુણ્યાત્મામાં નીચેની ચાર મુખ્ય યોગ્યતાઓ પ્રગટવા માંડે છે :
(૧) વિષયનો વૈરાગ્ય. (૨) કષાયનો ત્યાગ. (૩) ક્રિયામાં અપ્રમાદ. (૪) ગુણનો અનુરાગ. વિષયનો વૈરાગ્ય બહિર્ભાવને ઘટાડે છે. કષાયનો ત્યાગ દુર્ભાવને ક્ષીણ કરે છે. ક્રિયાનો અપ્રમાદ શ્રીજિનાજ્ઞાના પાલનમાં અધિક પ્રાણ પૂરે છે. ગુણનો અનુરાગ, પોતાના આત્માની પાત્રતાનો વિકાસ કરે છે.
બહિર્ભાવ ઘટે છે એટલે માત્ર ઇન્દ્રિયોનાં લાલનપાલન માટેની પ્રવૃત્તિમાં સીધો • કે આડકતરો ભાગ લેવાનું બંધ થાય છે.
દુર્ભાવ ક્ષીણ થાય છે એટલે ચિત્તની પ્રસન્નતા વધે છે, ચિત્તની પ્રસન્નતા વધવાથી ભાવ આરોગ્ય અધિક નિર્મળ બને છે.
અપ્રમત્તભાવે થતી ધર્મક્રિયા આરાધકને તે ક્રિયાઓમાં રહેલી મુક્તિસાધક શક્તિઓનો પૂરેપૂરો લાભ અપાવે છે.
ગુણવાન આત્માઓના ગુણનો અનુરાગ વધે છે એટલે આરાધકને પોતાના અવગુણો ખૂબ ખૂબ સાલે છે, એ અવગુણોને નિર્મૂળ કરવા માટે તે અધિક સમતાપૂર્વક ધર્મની આરાધનામાં આગળ વધે છે.
આ ચાર યોગ્યતાઓ જેમ જેમ પ્રગટતી જાય છે તેમ તેમ આરાધક આત્માને વ્રતનિયમ વધુ વહાલા લાગે છે, તપ-જપ જરૂરી, નહિ, પરંતુ અનિવાર્ય સમજાય છે,
ધર્મ-ચિંતન • ૨૩૯