________________
શુભમાં સંક્રમણ પણ થાય છે. જેમ ગંગાનું પાણી જતું હોય અને તેમાં એક લોટો ગંદુ પાણી નાખવામાં આવે તો પણ ગંદુ પાણી તે ગંગાનું પાણી બની જાય છે. તેમ શુભ અધ્યવસાયના બળથી અશુભ કર્મ શુભમાં સંક્રમણ થઈ શુભરૂપે ઉદયમાં આવે છે.
ઉપશમના કરણની અસરથી એક કર્મ આજે ઉદયમાં આવવાનું હોય તે વર્ષો પછી અગર તો ભવો પછી ઉદયમાં આવે છે તે રીતે ઉપશમ થાય છે—ઉદીરણાકરણની અસરથી એક કર્મ વર્ષો પછી ઉદયમાં આવવાનું હોય તે ઉદીરણા થઈ આજે ઉદયમાં આવે છે. જીવ જો શુભ અધ્યવસાયમાં હોય તો આજે ઉદયમાં આવવાવાળું અશુભ કર્મ વર્ષો પછી ઉદયમાં આવે તે રીતે ઉપશમાવી શકાય છે અને તે ઉપશમન થયેલા કર્મની પણ શુભ અધ્યવસાયના બળથી સ્થિતિ અને રસ ઘટાડી શકાય છે અગર તો શુભમાં સંક્રમણ કરી શકાય છે. આત્માને સત્તામાં અશુભ અને શુભ બન્ને પ્રકારનાં કર્મો રહેલા હોય છે. શુભ અધ્યવસાયના બળથી શુભ કર્મ જે વર્ષો પછી ઉદયમાં આવવાનું હતું તેને આજે પણ લાવી શકાય છે. આજે દુઃખ આપતા કર્મને ઉપશમાવી સુખ આપતા કર્મની ઉદીરણા કરી શકાય છે. જેટલું કર્મ બાંધ્યું છે (નિકાચિત સિવાયનું) તે બધું જ ભોગવવું પડે તેવો કોઈ નિયમ નથી. બંધાયેલા કર્મ ઉપર અધ્યવસાયના બળ પ્રમાણે આ રીતે કરણોની અસર થયા જ કરે છે. નિકાચિત કર્મ પણ શુભ અધ્યવસાયમાં રહેલા જીવને ઉદય વખતે નવું કર્મ બંધાવી શકતું નથી. તે પણ નીરઅનુબંધ થઈ જાય છે. શુભ અધ્યવસાયમાં—અને તેના કારણભૂત પ્રભુના દર્શન, વંદન, સ્તવન, પૂજન, જાપ, ધ્યાન, આજ્ઞાપાલન આદિમાં આપણા કર્મોમાં ફેરફાર કરી દુ:ખને બદલે સુખ, અશાંતિના સ્થાને શાંતિ, ઉપાધિને સ્થાને આનંદ આપવાની તાકાત છે. પ્રભુનું દર્શન, વંદન, આજ્ઞાપાલન આદિ પણ તેમની મહાકરુણાના પ્રભાવે, તેમની સર્વકલ્યાણકારી ભાવના દ્વારા સ્થપાયેલા ધર્મતીર્થના મહાપ્રભાવે કરી શકાય છે. માટે વેળાસર ધર્મમહાસત્તાને શરણે ચાલ્યા જવું જોઈએ. ચારે શરણને અંગીકાર કરી આપણાં, મન, વચન, કાયા અને ભાવને ધર્મમહાસત્તાને સમર્પિત કરી દેવાં જોઈએ. પરમેષ્ઠિ ભગવંતોમાંથી નિરંતર વરસી રહેલી મહાકરુણામાં આપણા અહંભાવને (સ્વાર્થભાવને) ઓગાળી નાંખી, નિરંતર સર્વકલ્યાણકારી ભાવોમાં આપણા મન, વચન, કાયાના યોગોને પ્રવર્તાવી શુભ અધ્યવસાયમાં રમવું જોઈએ—ધર્મનો એવો પ્રભાવ છે કે તેના શરણ જનારને તે ન્યાલ કરી દે છે. પરમ આનદંમય મોક્ષ આપે છે. મોક્ષ ન આપે ત્યાં સુધી ધર્માનુકૂળ અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિ આપે છે. પરંપરાએ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવે છે.
—–એક સાધક
ધર્મ-ચિંતન ૦ ૩૪૯