________________
ધર્મધ્યાનની ચાર ભાવના
શ્રી બાબુભાઈ સંઘવી
મૈત્રીભાવના સર્વજીવ સાથે મિત્રતાનો ભાવ ચિન્તવવો–કોઈનું માઠું ચિંતવવું નહિ, પણ સર્વનું ભલું ચાહવું. સર્વજીવ ઉપર હિત બુદ્ધિ રાખવી, તે મૈત્રીભાવના.
પ્રમોદ ભાવના જ્ઞાનાદિક ગુણ અને તેને ધારણ કરનાર ગુણવંત જીવો ઉપર રાગ ધારણ કરવો, અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને સ્યાદ્વાદધર્મનો યોગ મળ્યો છે, તેનો હર્ષ ધારણ કરવો, ફરી તેનો વિરહ ન પડે તે માટે ભય ધારણ કરવો, તે પ્રમોદભાવના.
કરુણાભાવના સર્વજીવોને પોતાની તુલ્ય જાણી દયા પાળે, કોઈને હણે નહીં, દુઃખીના દુઃખને ટાળવાનો પરિણામ અને ધર્મહીન જીવ ક્યારે ધર્મ પામે તથા આત્મસાધન કરી સ્વરૂપલાભ પામે, એવાં પરિણામ તે કરુણાભાવના.
માધ્યસ્થભાવના ધર્મદ્રષી, હિંસક, કુરકર્મી એવા જીવો ઉપર ન રાગ કરવો, ન ધેષ કરવો, કિન્તુ મધ્યસ્થભાવ ધારણ કરવો. ઉપદેશ વગેરે વડે સન્માર્ગે આવે તો લાવવો, ન આવે તો પણ દ્વેષ ન રાખવો, કેમ કે તે અજાણ છે, એમ સમજવું. એવાં જે પરિણામ તે માધ્યશ્મભાવના.
આ ચાર ભાવના ધર્મધ્યાનની છે. ધર્મધ્યાન ન હોય તો તે લાવે છે, હોય તો તેની વૃદ્ધિ કરે છે. કહ્યું છે કે
'आत्मानं भावयन्नाभिर्भावनाभिर्महामतिः ।
त्रुटितामपि संधत्ते विशुद्धां ध्यानसंतति' ॥१॥ આ ચાર ભાવનાઓ વડે પોતાના આત્માને ભાવિત કરતો એવો મહામતિમાનું પુરુષ નિર્મળ એવા ધર્મધ્યાનને તૂટતું હોય તો સાંધે છે અને તૂટતું ન હોય તો તેને અખંડિત રાખે છે.
સર્વ કોઈ યા ચાર ભાવનાઓ વડે ધર્મધ્યાનનું રક્ષણ કરનારા થાઓ, એ જ એક ભાવના.
૧. શ્રીમદ્ દેવચંદ્રજી કૃત “આગમસાર'ના આધારે.
૩૩૬ - ધર્મ-ચિંતન