________________
વૃત્તિ નિયંત્રણ મોક્ષનું મૂળ સામાયિક છે. સામાયિકનું મૂળ વૈરાગ્ય છે. વૈરાગ્યનું મૂળ મૈત્રાદિ ભાવો છે.
મૈત્રાદિ ભાવોનો વિકાસ વિશ્વના સર્વ જીવોના સુખ દુઃખ અને ગુણ-દોષના યથાર્થ દર્શનથી થાય છે.
યથાર્થ દર્શન એટલે જીવ અને જડના સ્વભાવનું દર્શન.
એ દર્શનમાંથી જે જ્ઞાન જન્મે તે પોતાને સ્વભાવ દશામાં રાખવામાં સહાયભૂત થાય.
વિભાવનો અંશ પણ–દહીંનો એક ફોટો દૂધના સ્વભાવમાં વિકૃતિ પેદા કરે છે તેમ-આત્માના સ્વભાવમાં વિકૃતિ આણે છે.
એ વિકૃતિથી પ્રેરાઈને મન અને પ્રાણો વિકૃત માર્ગે યા ઉન્માર્ગે ગમન કરે છે. ઉન્માર્ગગમનથી સ્વ તેમ જ પર ઉભયનું અહિત થાય છે. અહિતવ્યાપારની એ ભૂમિકા જીવને જગતનો અધિક ઋણી બનાવે છે.
પોતે પરને ભારભૂત બની રહ્યો છે, એવી સમજ જીવને પરહિતમાં રત બનવાની પ્રેરણા પૂરી પાડે છે.
એ પ્રેરણા મુજબની શકય પ્રવૃત્તિ માટે અનેક પ્રકારના નિયમોનું પાલન આવશ્યક બની જાય છે.
એ નિયમોવડે બંધાયેલા જીવનમાં પવિત્રતા, સ્થિરીકરણ અને વિશ્વહિતનો મહાછંદ જન્મે છે.
- કર્મોવડે બંધાયેલા આત્માની-સર્વજ્ઞભાષિત વ્રત-નિયમોના પૂરેપૂરા પાલન સિવાય, મુક્તિ શક્ય નથી.
નિયમ એ એક એવું બંધન છે કે જેના પૂરેપૂરા પાલનથી આત્માને લાગેલાં કર્મોનાં બંધન શિથિલ થવા માંડે છે.
નિયમશૈથિલ્ય કર્મપ્રાબલ્ય સૂચવે છે, તેમ નિયમપાલનની દઢતા કર્મને શિથિલ બનાવવામાં પરિણમે છે.
ધર્મ-ચિંતન : ૨૪૧