________________
હોય, આત્માના ગુણોની ગોઠડીમાં મગ્ન હોય, આ પૃથ્વી ઉપર રહીને સિદ્ધશિલાની વધુમાં વધુ નજીકમાં રહેવાની સાધનામાં ઓતપ્રોત હોય.
આવા સામાયિકધર્મથી લાભ શો ? એ પ્રશ્નનો જવાબ એ હોઈ શકે કે, સામાયિક એ સર્વકલ્યાણનો સર્વોચ્ચ ધર્મ છે.
આપસ્વભાવમાં મગ્ન મહાસંતોના ચરણની રજના સ્પર્શે પણ અનેક માનવોના રોગ દૂર થયાના દાખલા આપણે વાંચ્યા છે, તેમ જ આજેય સાંભળીએ છીએ તે એમ બતાવે છે કે સાચી શક્તિ આત્મામાં છે, સાચું સુખ આત્મામાં છે અને આત્મા વડે આત્મામાં રહેનારા મહાસંતો એ સકળવિશ્વની અણમોલ થાપણ છે.
સ્વર્ગના વૈભવમાં રાચતા દેવતાઓ પણ એવા સંતોની સ્તુતિ કરવામાં પોતાના જીવનને ધન્ય સમજે છે.
સામાયિકમાં રહેવા માટેનું બળ, નમસ્કારભાવમાંથી જન્મે છે. નમસ્કારનો ભાવ નમસ્કાર્ય ભગવંતોના અસીમ ઉપકારના ચિંતન-મનનના પ્રભાવે પોતામાં પ્રગટે છે.
નમસ્કારભાવ અરુણોદયના સ્થાને છે. સામાયિક સૂર્યપ્રભાના સ્થાને છે.
નમસ્કારનો ભાવ ભક્તિની ઉષ્માને પ્રગટાવે છે. તે ઉષ્મા આગળ વધીને પ્રભાસ્વરૂપ સામાયિકમાં પરિણમે છે.
સામાયિકમાં સાર્થક થતી એક-એક ક્ષણમાં સેંકડો જન્મ-મરણને ટાળવાની શક્તિ છે. આત્માના અનંત ગુણોને પ્રગટાવવાની શક્તિ છે. પવિત્ર તે શક્તિનો એક કણ અનેક જન્મોનાં પાપકર્મોને નિર્મૂળ કરી શકે છે. - આત્મા અને કર્મો વચ્ચેનો સંબંધ, ધર્મના સંબંધ પછી ઓછો થતો જાય છે. એ . . ધર્મ આત્મામાંથી પ્રગટતો હોય છે, સામાયિકમાં રહેવાથી એ ધર્મમાં જીવી શકાય છે.
પોતે જેને સેવી રહ્યો છે, તે અધર્મ તો નથી ને ? એની કાળજી ન રખાય તો દેવદુર્લભ માનવનો ભવ અનેક ભયસ્થાનકોમાં અટવાઈ પડે છે.
પોતા તરફથી પરને પહોંચતી પીડાનો અંત સામાયિક આણે છે. જીવના મુક્તિગમનયોગ્યત્વને સામાયિક વિકસાવે છે. સામાયિક એટલે અક્ષયસુખનો મહાસાગર.
મહાસાગરનો જીવ મેલા પાણીના ખાબોચિયામાંથી વહેલો-વહેલો બહાર આવે અને બીજાઓને બહાર નીકળવાનો માર્ગ ચોખો કરી આપે એ ભાવનાની સિદ્ધિ નમસ્કારપૂર્વક આત્મામાં દાખલ થવાથી થતી હોય છે. એવા નમસ્કાર તેમ જ સામાયિકમાં સહુનો રસ વધો ! એકાગ્રતા વધો !
ધર્મ-ચિંતન ૫૩