________________
સુખમાં મારું પોતાનું સુખ સમાયેલું છે, તેથી જ કોઈ દુ:ખી જણાતા તેના દુઃખમાં સહભાગી થવું અને બીજાનું દુઃખ બની શકે તેટલા પ્રમાણમાં ઓછું કરવું, અને એમ કરવામાં જ પોતે આનંદિત થવું. એક સુભાષિતકારે કહ્યું છે કે–
अयं निजः परो वेत्ति गणना लघुचेतसां । उदारचरितानां तु वसुधैव कुटुंबकम् ॥
અર્થાત્ ટુંકા મનવાળા, હલકા વિચારવાળાઓ ‘આ મારું અને આ પારકું' એવું માનતા હોય છે, ત્યારે ઊંચા મનવાળા—ઉદાર વૃત્તિવાળા માણસો આખી દુનિયાને પોતાના કુટુંબીઓ તરીકે માને છે. બીજાને દુઃખ થતાં તે પોતાને જ થાય છે એમ માને છે અને બીજાના ઉત્કર્ષમાં પોતાનો જ ઉત્કર્ષ છે, એમ માને છે. આમ કરવામાં પોતાનું વ્યક્તિત્વ અનાયાસે ભૂલી જવાય છે અને પોતે આ વિશ્વનો એક અણુમાત્ર છે, એમ માનવાથી આપણું મન વિશાળ થાય છે અને આપણે સમષ્ટિરૂપ બની જઈએ છીએ. મહાત્માઓ એવો વિચાર કરે છે કે, મારી સગવડો સાચવતા રખે બીજાને અગવડ થઈ જાય ! એમ વિચાર કરવાથી એ પોતે અગવડ વેઠીને પણ બીજાની સગવડ સાચવવા મથે છે. અર્થાત્ બીજાઓનું સુખ એ જ પોતાનું સુખ ગણતાં એ પોતે જ સુખરૂપ થઈ જાય છે.
પોતાનું વ્યક્તિત્વ કાયમ રાખવા છતાં જ્યારે માણસ સમષ્ટિરૂપ થઈ જાય છે ત્યારે તેના આત્માની ભવ્યતા અને વિશાળતા વધતી જ રહે છે અનેં એને લીધે એની દરેક હીલચાલ અને એનો એકેએક શબ્દ બીજાઓને માર્ગદર્શક થઈ જાય છે. એટલું જ નહીં પણ એની મુખાકૃતિ પણ સ્વભાવિક રીતે વિનય અને નમ્રભાવ શીખવે છે. એની આંખમાં પણ એવું જ તેજ ચળકી ઊઠે છે કે વગર શબ્દના ઉચ્ચારથી પણ અનેક લોકો બોધ પામી જાય છે. ગમે તેવો વિરોધી વિચાર ધરાવનારો પણ તેમની સામે પોતાનો અહંકાર ભૂલી નતમસ્તક થઈ જાય છે અને એમના દર્શનમાત્રથી પોતાના અનેક સંશયોનો ઉકેલ મેળવી જાય છે. એવા સંત-મહાત્મા આગળ ક્રોધથી ધમધમતો કોઈ હોય તો તે પણ શાંત થઈ જાય છે. એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમનામાં પ્રગટી નીકળે છે. એટલા માટે જ એવા જ્ઞાની, યોગી, સંત-મહાત્માના બધે વખાણ થાય છે અને એમના ગુણકીર્તન થાય છે. એવા સંતની ચરણરજ પોતાના માથે ધરવા બધા ઉત્સુક બને છે. એવા ગુરુજનોની પ્રશંસા તેઓ પરલોકમાં ગયા હોવા છતાં અખંડપણે ચાલુ જ રહે છે. આવી હોય છે પોતાનું વ્યક્તિત્વ ભૂલી સમષ્ટિ સ્વરૂપ બનેલા મહાત્માઓની ગુરુતા !
આમ સ્વત્વને ગૌણ કરી સમષ્ટિરૂપ થઈ જનારા મહાત્માઓની ગણના પરમેષ્ઠિમાં મૂકવા જેવી થાય એમાં જરાએ સંદેહ નથી. એવા સંત, ત્યાગી, સંયમી અને નિરિ૭ મહાત્માઓથી જ આ પૃથ્વી રત્નગર્ભા ગણાય છે. એવા પરમ પુરુષો જ આ પૃથ્વીના ભૂષણરૂપ છે.
૨૮૦ ૦ ધર્મ-ચિંતન