________________
અનુગ્રહ-દર્શન
શ્રી સૂરજચંદજી ડાંગી (દેવાધિદેવ શ્રી તીર્થંકર પ્રભુના અનુગ્રહ સંબંધી મનનીય સ્પષ્ટતા આ લેખમાં કરવામાં આવી છે. સં.)
આગ્રહથી વિગ્રહ વધે છે. વિગ્રહથી દૂર રહેવું હોય તો પરિગ્રહ છોડીને શ્રીતીર્થંકરપ્રભુનો અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ. શ્રી તીર્થંકરપ્રભુનો અનુગ્રહ તો સર્વ જીવોને સમાનરૂપથી પ્રાપ્ત છે, પરંતુ તેનું દર્શન સર્વને ન થતું હોવાથી પરમાર્થશાંતિ અને યથાર્થ આનંદથી બધા વંચિત રહે છે.
આવો, આજે આપણે તે દેવાધિદેવ ભગવાન શ્રી તીર્થંકરપ્રભુના અનુગ્રહનું દર્શન કરીએ, જેથી સમ્યક્ત પ્રગટે અને તેથી પુષ્ટ થયેલ સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રની ઉત્કૃષ્ટ સાધનાના અધિકારી થઈએ.
નિશ્ચયદષ્ટિના એકાંત આગ્રહથી જયારે આપણે તીર્થંકરપ્રભુના અનુગ્રહની મુખ્યતાને ગૌણ કરીએ છીએ ત્યારે આપણે આપણા પુરુષાર્થનો અહંકાર કરીને
કૃતજ્ઞતા' નામના મૂળધર્મથી વંચિત થઈએ છીએ. અને સાધનાને શુષ્ક, કુરૂપ અને નિષ્ફળ બનાવી સિદ્ધિને દુર્લભ બનાવીએ છીએ.
એ જ રીતે સત્યભાષા અને અસત્યભાષાના વિવેકહીન દુરાગ્રહથી આપણે વ્યવહારભાષાના મર્મ સુધી પહોંચી શકતા નથી, પંચમ પદ પર અધિષ્ઠિત સર્વ સાધુ સમુદાય અને વિવેકી શ્રાવક સમુદાય એ જ માને છે અને એ જ પ્રમાણે કહે છે કે, દેવગુરુપ્રસાદથી જ સંપૂર્ણ સુખ મળે છે. એ વચન તાત્કાલિક તથ્ય છે, એટલું જ નહિ , પણ સાર્વકાલિક સત્ય છે. વ્યવહારભાષાને શુદ્ધ નિશ્ચયનયની એક અપેક્ષાએ સત્યભાષા ન માનીએ તો પણ તેને અસત્યભાષા કહેવાનો આગ્રહ કરવો તે મૂળગુણનો ઘાત કરનાર ભયંકર મિથ્યાત્વ છે અને ચતુર્વિધ શ્રીસંઘના વ્યવહારમાં વિગ્રહ પેદા કરીને પ્રભુના અનુગ્રહનું સમ્યગ્દર્શન પ્રગટ થવામાં પરમ અંતરાયરૂપ બને છે.
મનુષ્યજન્મ દુર્લભ છે, પરંતુ તે પણ તીર્થંકરપ્રભુના અનુગ્રહથી મળે છે. ભગવાન તીર્થંકરદેવ તીર્થની સ્થાપના કરીને નવતત્ત્વોનું સ્વરૂપ ન સમજાવત તો પુણ્ય પ્રેરણા કે પ્રવૃત્તિ કેવી રીતે થાત? અને પુણ્ય પ્રવૃત્તિ ન થાત તો મનુષ્યજન્મ કેવી રીતે મળત ? મોક્ષના દ્વારરૂપ નરદેહની પ્રાપ્તિ એ રીતે તીર્થકરોના અનુગ્રહનું ફળ છે.
બીજી દુર્લભ વસ્તુ શાસ્ત્રશ્રવણ છે. એ પણ તીર્થકર ભગવંતોના અનુગ્રહનું ફળ છે. તીર્થંકરદેવો તીર્થની સ્થાપના કરીને ગણધરભગવંતોની આગળ જિનવાણી પ્રકાશિત , ન કરત તો શ્રુતજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય ?
ધર્મ-ચિંતન ૨૯૩