________________
નમસ્કારની મંત્રશક્તિ શ્રીનમસ્કાર મંત્રના એક-એક અક્ષરનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. એક-એક અક્ષરમાં ચૌદરાજલોકને સમાવવા જેટલી વિરાટતા છે. એ એક-એક અક્ષરમાં સ્વતંત્ર દુનિયા છે. શ્રીનમસ્કારની મંત્રશક્તિ એ સાક્ષાત્ શુદ્ધ આત્મદ્રવ્યની શક્તિ છે. માત્ર એક જ આત્મદ્રવ્યની શક્તિ નહિ પણ ત્રણે કાળના તીર્થકર દેવો, સિદ્ધ ભગવાનો, આચાર્યપ્રવરો, ઉપાધ્યાયો અને સાધુ મહાત્માઓની સમગ્ર ભેગી થયેલી આત્મશક્તિ તે જ શ્રીનવકારની મંત્રશક્તિ છે. નિસર્ગના મહાશાસનના સમગ્ર શુભતત્ત્વોનું પુણ્યબળ સતત શ્રીનમસ્કારની આ મંત્રશક્તિને ઉત્તરોત્તર વધારતું જ રહે છે. આ મંત્રશક્તિ આ રીતે ઉત્તરોત્તર વધતી જ રહે છે કારણ કે સમગ્ર શુભતત્ત્વોનું પુણ્યબળ તેમાં સતત રેડાયા કરે છે.
બે ઘડીમાં સિદ્ધિ આ વિશ્વમાં એવો ક્યો પદાર્થ છે, જે શ્રીનવકાર મંત્ર આપણને ન આપી શકે ? . કોઈને નિદ્રા ન આવતી હોય અને ઉજાગરાથી તેની પ્રાણશક્તિ થાકી ગઈ હોય તો શ્રીનવકારમંત્રનો જાપ તેને વગર નિદ્રાએ તાજગી અને પ્રફુલ્લિતતા આપી શકશે. કોઈને સુંદર વાનગીઓનું ભોજન ના મળતું હોય અને તેનું મન ભૂખથી તૂટી પડતું હોય તો શ્રીનમસ્કારનો જાપ તેને વગર ભોજને શ્રેષ્ઠસ્વાદતૃપ્તિનો આનંદ આપશે. કોઈને મધુર સંગીત અને સુંદર શિલ્પકૃતિઓથી થતા રસસંવેદનો અનુભવવા હોય અને સાધનસામગ્રી ન હોય તો શ્રીનમસ્કારનો જાપ તેને ચક્ષુ કે કાનની મદદ વિના, સંગીત અને શિલ્પની મદદ વિના એવા અખૂટ રસસંવેદનો જગાડશે. કોઈને પ્રમાણિક મિત્ર ન મળતો હોય અને જીવનમાં સુનકાર અને ગમગીની ભાસતી હોય તો શ્રીનવકારના જાપ દ્વારા જીવન એવું ભર્યું-ભર્યું અને આનંદમય થઈ જશે કે જાણે સેંકડો અને હજારો મિત્રો વચ્ચે તમે તમારું હૃદય ખોલીને મુક્ત આનંદ મેળવ્યો છે. તમારા કુટુંબમાં અણબનાવ હોય અને કજિયા કંકાસથી જીવન કટુ અને હતપ્રાણ થઈ ગયું હોય ત્યારે શ્રીનમસ્કારનો જાપ પંચપરમેષ્ઠિની એવી તો સ્નેહભરી હૂંફ અને ઉષ્મા ફેલાવે છે કે જાણે સેંકડો અને હજારો કુટુંબો તમને તમારા મળી ગયા હોય. આપણને હાડકાનો ક્ષય હોય કે ફેફસામાં કેન્સર થયું હોય પણ શ્રીનમસ્કારનો જાપ નિરોગીપણું અને જીવનશક્તિનો અગાધ વિસ્તાર કરાવી દે છે. જીવનની જે કાંઈ ઉણપો હોય છે શ્રીનમસ્કારના ગદ્ગદિત કંઠે થતા ઉચ્ચારણથી અવશ્ય પૂરી થાય છે. માત્ર જાપ કરતી વખતે તમારા (સાડાત્રણ કરોડ) રૂંવાડા પુલકિત થવા જોઈએ, કંઠ ગદ્ગદિત થવો જોઈએ. છાતીમાં છૂપું ડૂસકું આવવું જોઈએ, ગળું અવ્યક્ત આંસુથી ભરાઈ જવું જોઈએ અને આંખની પાંપણો વ્યક્ત આંસુથી ઉન્હી થવી જોઈએ. જો આમ થાય તો આ વર્તમાનકાળમાં પણ માત્ર ઘડી બે ઘડીમાં આ પ્રયોગો સિદ્ધ થઈ શકે છે.
૩૧૬ ધર્મ-ચિંતન