________________
આવ્યો કે પોતે જે સ્થિતિમાં છે તે જ તેને માટે ઉત્તમ છે. કહેવાય છે કે–“પારકે ભાણે લાડવો મોટો દેખાય' તેવી જ આ વાત છે. ઘણીવાર એક રોગથી પીડાતો રોગી પોતાના રોગને સૌથી વધુ દુઃખકર માને છે અને બીજા રોગોને હળવા માને છે, પણ એ તો બીજા રોગોનો અનુભવ ન થાય ત્યાં સુધી જ.
ગણિતની એક ઉપમા લઈએ તો એમ કહી શકાય કે પ્રત્યેકના સુખ-દુઃખનો ગુણાકાર કરીએ તો તે સમાન જ આવે. સુખ વધારે આવે, તો દુઃખ વધારે આવી એનો છેદ ઉડાવી દે છે અને ગુણાકાર તો એનો એ જ આવી રહે છે. સુખ-દુઃખનું આ ગણિત રાગદ્વેષની સાપેક્ષતાને લીધે છે. જેને આ સમજાય છે તે ઈર્ષ્યા કરતો નથી અને પોતાની પ્રાપ્ત સ્થિતિથી મુંઝતો નથી. જે સ્થિતિ આપણને નિર્મિત છે, તેમાંથી સાચો કસ કાઢી જીવનને ધન્ય કરી લેવું એ જ એક માર્ગ રહે છે. તે પણ રાગદ્વેષ એકાંતે કંઈ ખરાબ નથી. જો તેનો પ્રશસ્ત ઉપયોગ કરવામાં આવે તો તેમાં જ જીવનવિકાસનાં બીજ હોય છે. ચિત્તને શુદ્ધ કરવા લાગીએ કે રાગદ્વેષ પણ શુદ્ધ થવા લાગે છે. રાગ વિકસીને સર્વ જીવો પ્રત્યે મૈત્રીરૂપ પ્રેમનું સ્વરૂપ લે છે અને દ્વેષ વિકસીને વૈરાગ્ય બને છે. સત્ય, નિત્ય અને અનંત તરફ પ્રીતિ : અસત્ય, અનિત્ય અને સાંત તરફ વૈરાગ્ય—એ જ પ્રગતિનો માર્ગ છે. પ્રેમ વિવિધતામાં એકતા લાવે છે અને વૈરાગ્ય વિવિધતામાંથી આસક્તિ ઓછી કરે છે. એક દિવ્યતાની શોધ ચલાવે છે. બીજું માયાનું ધુમ્મસ દૂર કરે છે. એક પરમાર્થ તરફ દોરે છે અને બીજું સ્વાર્થનો ત્યાગ કરતાં શીખવે છે. એક ઈશ્વર તરફ ખેંચે છે, બીજું ઈશ્વર તરફ ધકેલે છે.
જ્ઞાની રાગ અને દ્વેષને સમાન માની અનાસક્ત ભાવે વર્તે છે. ચિત્તના ધર્મોમાં સમતોલપણું આણી સ્થિતપ્રજ્ઞની જેમ સમાધાનથી રહે છે. ભક્ત બંનેને પોતાનાં સાધનો બનાવી તેનાથી જ ભાવમસ્તીમાં ચિત્તને લીન કરી દે છે. કર્મયોગી રાગદ્વેષના એરણ ઉપર ઘણથી પોતાના ચિત્તને ટીપી ટીપીને દિવ્ય આકાર આપે છે. જીવનની સિદ્ધિ એક જ છે, માર્ગો જુદા છે.
મંત્રાધિરાજના જાપને સ્વસ્થતાપૂર્વક જેટલી વધુ ઊંડે સુધી ખેંચવામાં– લઈ જવામાં આવે છે, તેટલી વધુ સંગીન અસર આંતર-બાહ્ય જીવનની શુદ્ધિ ઉપર થાય છે. જાપમાં જરા પણ ઉતાવળ, આખા જાપની પરમ ઉપકારિતાને ચૂંથી નાંખે છે.
ધર્મ-ચિંતન, ૩ર૩