________________
વ્યષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ઠિ
બાલચંદ્ર હીરાચંદ (પરમેષ્ઠિપદને પાત્ર બનવાની પ્રેરક વિચાર સામગ્રી આ લેખમાં રહેલી છે. તેનું વાંચનમનન જરૂર લાભદાયી નીવડશે. સં.).
આપણે દરેક જણ વ્યષ્ટિ અગર વ્યક્તિરૂપે છીએ. અને જ્યારે આપણો સમુદાય એકત્ર મળે છે, ત્યારે એ સમષ્ટિ ગણાય છે અને આપણું ઈષ્ટ સાધ્યબિંદુ પરમેષ્ઠિ છે. આ સંસારરૂપી ચક્રમાંથી આપણું વ્યક્તિત્વ ભૂલી તેને સમષ્ટિરૂપમાં ફેરવવું પડે છે તો પરમેષ્ઠિ થવાય છે. એટલે આપણને જેવું સુખ અગર દુઃખ થાય છે, તેવું જ બીજાઓને પણ થાય છે અને થતું હોવું જોઈએ, એવી ભાવનાથી બીજાના સુખ-દુઃખમાં આપણે સહભાગી થવું જોઈએ. અર્થાત્ આપણા કોઈ પણ કાર્યથી બીજાઓને દુઃખ ન થાય તેવી સાવચેતી આપણે રાખવી જોઈએ. બીજાના સુખમાં આપણે પણ સુખાનુભવ કરવો જોઈએ. પણ આમ થતું નથી. આપણે હંમેશા પોતાનું વ્યક્તિત્વ જ જોઈએ છીએ. અને એને જે સુખ આપે એ જ કાર્ય આપણે મુખ્યપણે આદરીએ છીએ. આપણે પોતાને જ આ જગતનું કેન્દ્રબિંદુ માની બધું આપણા માટે જ છે અગર હોવું જોઈએ, એમ માનીએ છીએ. આપણી આસપાસ જે વસ્તુઓ જોઈએ છીએ એ એવી જ મૂળ સ્વરૂપે છે અને એમાં પરિવર્તન થવાનું નથી એમ માની તેને સ્થિર સ્વરૂપે ગણીએ છીએ અને એવી માન્યતાને લીધે જ એવી વસ્તુઓમાં જયારે પરિવર્તન થાય છે, ત્યારે આમ કેમ થયું? એમ વિચારમાં પડી આપણે ખેદ અનુભવીએ છીએ. દરેક વસ્તુમાં ક્ષણે ક્ષણે પર્યાય બદલાતા રહે છે, એ વસ્તુ આપણે પોતની અજ્ઞાનતાને લીધે ભૂલી જઈએ છીએ. આપણે પોતે એક વખત બાળક હતા. પછી યુવાન થયા, અજ્ઞ મટી સુજ્ઞ થયા, દ્રવ્ય વિનાના હતા અને પછી ધનવાન થયા. અનેક ભોગસાધનો મેળવ્યા અને છેવટ વૃદ્ધ થયા. એની સાથે સાથે આ ભવ પૂર્ણ કરી આ શરીર મૂકી બીજું નવું શરીર ધારણ કરવાના છીએ, એ નિશ્ચિત અને અનુભવસિદ્ધ વસ્તુ પણ ભૂલી જઈએ છીએ. જે શરીરનો આપણે આટલો બધો મોહ રાખીએ છીએ, તે શરીરમાંથી ક્ષણે ક્ષણે પરમાણુઓ અત્યંત વેગથી વિખેરાઈ રહ્યા છે અને નિત્ય નવા પરમાણુઓ ત્યાં આવી વસી રહેલા છે, એ સંપૂર્ણ સત્ય વસ્તુ પણ ભૂલી જઈએ છીએ. એ સમજવા માટે એક દ્રષ્ટાંત આપણે વિચારીએ.
એક નાની તળાવડી જેવું જળાશય હતું. પૂર્ણિમાનો રજનીવલ્લભ પોતાની સંપૂર્ણ કળાઓ સાથે પ્રકાશી રહેલો હતો. પાણીમાં તેનું મનોહર પ્રતિબિંબ જણાતું હતું. એક રમતિયાળ બાળક તળાવડીના કિનારે બેસી એ બિંબ પાણીમાં જોઈ રહેલો હતો. એણે એક લાકડીથી પાણીમાં આઘાત કર્યો. પેલું ચંદ્રબિંબ ખંડિત થઈ ગયું. એના અનેક કકડાઓ થયા. અને પાણીમાં વિખરાવા માંડ્યા. એ જોઈ બાળકને મજા પડી. એણે એ ચંદ્રબિંબને વારંવાર ફોડી નાખી તેના કકડા કરવા માંડ્યા. પણ ક્ષણવારમાં એ બિંબના કકડા ફરી એકત્રિત થાય
૨૭૮ - ધર્મ-ચિંતન