________________
ખ્રિસ્તી ધર્મમાં ક્રોસને અનન્ય મહત્ત્વ આપવામાં આવે છે. જો કે ઈશુની ધર્મ માટે પ્રાણાર્પણ કરવાની તેમાં ભાવના છે. તો પણ તે ઊભી લીટી દોરી માનવના શરીરની કલ્પના કરી તેને હાથ પહોળા કરી પૂર્ણતા બતાવવામાં આવી છે. એટલે ક્રોસમાં માનવ શરીરની જ કલ્પના છે અને આત્માને અથવા પરમાત્માને ઓળખવાની કલ્પના માનવને જ હોવાથી તે ચિહ્ન એ ધર્મનું પ્રતીક થયું છે.
એમ તો બધા ધર્મોએ. આત્મા, દેવલોક, નરલોક અને મુક્તિને ગમે તે માર્ગે કબૂલાત આપેલી જ છે. પ્રભુ મહાવીરના જીવે મરીચીના ભાવમાં પોતાના નૂતન વેશની કલ્પના કરી બતાવી છે અને એ રીતે એક નવા પંથને જન્મ આપેલો છે જ. જ્યારે સાધુઓ શિથિલાચારી બન્યા ત્યારે તેમનો વિરોધ કરવા અને જુદાપણું બતાવવા વસ્ત્રને પીળો રંગ લગાવવાની પ્રથા પણ કેટલાએક કાળ ચાલી હતી. જૈનમુનિઓ સ્થાપનાચાર્ય રાખી પોતાના ગુરૂનું પૂજ્યપણું અને સાન્નિધ્ય બતાવે છે જ. એમ તો મંદિરોમાં અનેક જાતના ચિહ્નો અને દેવ-દેવીઓની મૂર્તિઓ બોધચિહ્નો તરીકે રાખવામાં આવે છે. એ બધાં ચિહ્નો અને તેની પાછળ રાખવામાં આવેલા હેતુઓ વિસ્તારથી બતાવવામાં આવે, ક્રિયામાત્ર પાછળ દરેક હીલચાલનો હેતુ સમજાવી આપવા પ્રયાસ કરવામાં આવે તો અનેક ભ્રમોનો નિરાસ થાય. અને આધુનિક કેળવાયેલા વર્ગને ધર્મ તરફ વાળવા માટે મોટી મદદ થાય, એમાં શંકા નથી.
બધા બોધ ચિહ્નો પાછળ કેવા હેતુ સંકળાયેલા છે, એ સમજાવવા માટેનો આ અલ્પ પ્રયત્ન છે. કોઈ જ્ઞાની આથી વધારે પ્રકાશ પાથરે તો કેવું સારું ? ,
ક્ષમાપના
(ભુજંગી છંદ) ખમાવું બધા જીવને આજ પ્રીતે, ખમો તે બધા મુજને સર્વ રીતે, બધા જીવમાં મિત્રતાને પ્રસારું, નથી કોઈ સાથે હવે વેર મારું. ૧ બધા વિશ્વનું થાવ કલ્યાણ આજે, બનો સજ્જ સૌ પારકા હિત કાજે, બધા દૂષણો સર્વથા નાશ પામો, જનો સર્વ રીતે સુખો માંહિ જામો. ૨
૨૮૪• ધર્મ-ચિંતન