________________
ધર્મમય આચાર
સાગરને હર્ષભેર મળવાના સરિતાના કોડને અષાઢી મેઘ પૂરા કરે છે તેમ ધર્મમય આચારને વરવાના પુણ્યશાળીઓના મનોરથને ચોમાસાના પવિત્ર દિવસો પૂરા કરે છે.
ધર્મમય આચાર એટલે દયાભાવભીનો આચાર. ધર્મમય આચાર એટલે પરોપકારભાવ મહેંકતો આચાર. ધર્મમય આચાર એટલે મૈત્યાદિ ભાવનાની પ્રધાનતાવાળો આચાર.
ધર્મમય આચાર એટલે મનનાં પરિણામને દેવાધિદેવની આજ્ઞા સાથે જોડીને માનવજીવનની પ્રત્યેક પળને સાર્થક કરવી તે.
ધર્મમય આચાર એટલે સર્વજીવહિતકર ધર્મના રાજમાર્ગ પર અપ્રમત્તપણે ચાલવું તે. આચાર, આચરણરૂપ હોય. તથા પ્રકારનું આચરણ તથા પ્રકારના નિયમો સિવાય શક્ય ન બને. નિયમના પાલન માટે મનની દૃઢતા જોઈએ.
ઢીલું મન, મોટે ભાગે તુચ્છ સ્વાર્થના પક્ષમાં ઢળતું હોય છે. સંસારને વધારનારી પ્રવૃત્તિઓમાં આળોટતું હોય છે.
યથાશક્તિ તપ, જપ અને સંયમના પાલન સિવાય ધર્મમય આચાર સાંગોપાંગ ન જ જળવાય.
તપ, જપની યોગ્યતાને વિકસાવે છે. જપની ઉષ્મા સંયમમાં સ્થિર બનવામાં અમાપ સહાય કરે છે.
સંયમ અને સદાચાર પ્રકાશ અને ઉખાની જેમ અભિન્ન હોય છે. સદાચારી આત્મા, ધર્મમય આચારને જરૂર દીપાવી શકે. આચારમાં ઓતપ્રોત થયેલો ધર્મ, કોઈ પણ સંયોગોમાં છૂપો રહેતો નથી. ધર્મ આચારમાં ઓતપ્રોત ત્યારે થાય છે, જ્યારે પરિણામ વિશુદ્ધ બને છે.
વિશુદ્ધ પરિણામ–આત્મભાવભીનું હોય. પોતા પ્રત્યેના રાગ અને પર પ્રત્યેના દ્વેષથી મુક્ત હોય.
એટલે એમ કહી શકાય કે ધર્મમય આચાર એટલે સર્વજીવહિતકર વિશુદ્ધ પરિણામયુક્ત જીવનની મોક્ષની દિશામાં એકધારી ગતિ.
ધર્મ-ચિંતન ૨૩૩